- રાજ્યસભાની ચૂંટણી નહી યોજાઈ
- ભાજપના બંને ઉમેદવારો બીનહરીફ વિજેતા જાહેર
- ચૂંટણી પંચે સત્તાવાર રીતે કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતની બે ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે એક માર્ચના રોજ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસ પક્ષે એક પણ ઉમેદવાર જાહેર ન કરતા સોમવારે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ભાજપના બંને ઉમેદવારો રામ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. જેથી હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નહીં યોજાય. કોંગ્રેસે ફોર્મ નહી ભરતા બંને ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
તન મન ધન થી લોકોની સેવા કરીશ: રામ મોકરીયા
ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આજે સત્તાવાર રીતે સાંસદ તરીકેની પદવી પ્રાપ્ત થઈ છે. તેનું પ્રમાણ પત્ર પણ મળ્યું છે, ત્યારે હવે આવનારા સમયમાં તન, મન અને ધનથી લોકોની સેવા કરીશ. લોકોના પ્રશ્ન મુદ્દે રજૂઆત અને તે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. રાજ્ય સભાના સાંસદ રામ મોકરીયાએ લોકોની સેવા અને સૌથી વધુ ગુજરાતના દરિયાઇ પટ્ટાના પ્રશ્નો બાબતે ઝડપી નિરાકરણ આવે તેવી આગાઉ જાહેરાત કરી હતી.
નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ જીતશેઃ દિનેશ પ્રજાપતિ
રાજ્ય સભાના સાંસદ દિનેશ પ્રજાપતિએ પત્રકારોને જણાવ્યુ હતુ કે, આજે અમે બંને ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે એક પણ ઉમેદવારની જાહેરાત કરી ન હતી, આમ હવે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં તેના કારણે જ અમે બિન હરીફ રીતે વિજેતા થયા છે. વધુમાં જણાવ્યું કે, 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાય દેખાશે નહીં અને તમામ જગ્યાએ ભાજપનો વિજય થશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પૂર્વ સાંસદનું નિધન થતા યોજવવાની હતી રાજ્યસભાની ચૂંટણી
કોંગ્રેસના રાજયસભાના પૂર્વ સાંસદ એહમદ પટેલ અને ભાજપના સાસંદ અભય ભાદ્વરાજનું નિધન થયું હતું. જેના કારણે ગુજરાતની બે રાજ્યસભાની બેઠક ખાલી પડી હતી. જેથી ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસ પક્ષે એક પણ ઉમેદવારની જાહેરાત ન કરાતાં ચૂંટણી હવે યોજાશે નહીં અને ભાજપના બંને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે.