ગાંધીનગર: સમગ્ર દેશ અને ગુજરાતમાં લોકોને આરોગ્ય સુખાકારી રહે તેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતને 7000 જેટલા આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્ય સરકારે 7523 જેટલા આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે.
107 ટકા સિદ્ધિ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 7006 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ 7523 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને 107 ટકા સિદ્ધિ મેળવી છે.
કેવી સારવાર આપવામાં આવે છે - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ(Contraceptive services), ચેપી રોગોનું સંચાલન(Management of infectious diseases), સામાન્ય રોગોની ઓપીડી સારવાર(OPD treatment of common diseases) વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન(Diagnosis of non infectious diseases), સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન(Diagnosis of mental illness) અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: 'માં અમૃતમ' અને 'આયુષ્માન કાર્ડ' ની કામગીરી બંધ, તાત્કાલિક શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત
6215 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણુંક - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની(Community Health Officer) જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે. જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલી કન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્ગદર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં 6215 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી છે.
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લાભ મેળવતા લાભાર્થીઓની સ્થિતિ - અત્યાર સુધી આ કેન્દ્રોના માધ્યમથી 7,83,06,876 લાભાર્થીઓએ OPDનો લાભ લીધો છે. તેમાં 7,18,65,712 લાભાર્થીઓને આ સેન્ટર્સમાં દવાની સુવિધા પૂરી પડાઈ. 3,80,03,926 લાભાર્થીઓને નિદાન સેવાઓનો લાભ લીધો છે. 35,57,246 લાભાર્થીઓએ આ કેન્દ્રોમાં યોજાયેલા વેલનેસ સત્રોનો લાભ લીધો છે.
શું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર? - આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના તમામ લોકોને આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાની છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં CHO (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરુષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિનચેપી રોગો પર OPD અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલી કન્સલ્ટેશનમાં કામ કરે છે.
આ પણ વાંચો: PM મોદીએ પકડયો અનાથ બાળકોનો હાથ: સ્વાસ્થ્ય સાથે શિક્ષણમાં પણ કરશે મદદ
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં થતી કેટલીક અન્ય પ્રવૃત્તિઓ - આયુર્વેદ, યોગ અને એલોપેથીના એકીકરણના ઉદ્દેશથી આ કેન્દ્રોમાં આરોગ્ય સંકલન નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તેના માટે અત્યાર સુધીમાં 1500 કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને 21 દિવસની તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, તેના માટે માટે રાજ્યભરમાં કુલ 9 આયુર્વેદિક કોલેજોની પણ ઓળખ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 529 સહભાગીઓને યોગ ફેસ્ટિવલ અને ઈટ રાઈટ અભિયાન હેઠળ તાલીમ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 94 અધિકારીઓને ઇન્ડક્શન ટ્રેનિંગ હેઠળ તાલીમ આપવામાં આવી છે, જેઓ માસ્ટર ટ્રેનર્સ તરીકે ઓળખાશે. આ માસ્ટર ટ્રેનર્સે અત્યાર સુધીમાં જિલ્લા સ્તરે ૪૦૩૦ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને ઇન્ડક્શન તાલીમ આપી છે.
ગુજરાત ટૂંક સમયમાં મોડલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે - ગુજરાત સરકારે મોડેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવાની યોજના બનાવી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વૉકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.