ગાંધીનગરઃ કલોલ તાલુકાના પલિયડ ગામમાં વિજય પટેલે ગોગા મહારાજનો પાંચમો પાટોત્સવ અને જાતર-રમેણ સહિતના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કર્યુ હતું. જેમાં કોઇ પ્રકારની પરવાનગી લીધા વિના હાથી સહિત અનેક વાહનો સાથે શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રાામાં જંગી મેદની ઉમટી પડી હતી.
શોભાયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ બેન્ડવાજા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. આ બાબતનો વીડિયો વાઇરલ થતાં કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ SP મયુર ચાવડા સહિતના તંત્રને પગલા ભરવા આદેશ કર્યો હતો. જેથી DySp અને પ્રાંત અધિકારી પલિયાડ ગામમાં દોડી ગયા હતા. પોલીસે આયોજક વિજય પટેલ સહિત અગ્રણીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત શોભાયાત્રામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો ડિટેઇન કર્યાં હતાં.

ઘટના અંગે જિલ્લા કલેક્ટર ડૉ.કુલદિપ આર્યએ જણાવ્યું કે, કોરોનાની મહામારી ચાલતી હોવા છતાં કોઇ પણ જાતની પરવાનગી લીધા વિના જાહેરનામાનો ભંગ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ કરાયો છે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાની બેદરકારી કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.