ગાંધીનગરઃ 16મી મે શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 447 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવાઇ છે. જેમાં 6 લાખ 26 હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે. 447 ટ્રેન પૈકી ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ 315 ટ્રેન દોડાવાઈ છે. તે ઉપરાંત બિહારની 46, ઓડિશાની 38, મધ્યપ્રદેશની 23, ઝારખંડની 12, છત્તીસગઢની 6, ઉત્તરાખંડની 4 અને મહારાષ્ટ્ર, રાજસ્થાન, મણીપુરની 1-1 ટ્રેન દોડાવાઈ છે. આજે 17મી મેને રવિવારની મધ્યરાત્રી સુધીમાં વધુ 29 ટ્રેન ગુજરાતમાંથી દોડાવીને શ્રમિકોને વતન પહોંચાડવામાં આવશે. આજે મધ્યરાત્રીએ ઉત્તર પ્રદેશ માટે 19, બિહાર માટે 5, ઝારખંડ માટે 2 અને છત્તીસગઢ, ઓડિશા, ઉતરાખંડ માટે 1-1 ટ્રેન મળી ફુલ 27 ટ્રેનો રવાના થશે. જેમાં 46 હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચશે.
2 મેના દિવસથી માત્ર બે શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો અને કામદારોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સીન્ગ સહિતના તમામ જરૂરી નિયમોના પાલન સાથે વધુને વધુ ટ્રેનો દોડાવવાની કવાયત કરવામાં આવી, એટલે માત્ર 15 દિવસમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ ટ્રેનો દોડાવીને 6.72 લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવ્યા છે.