- અંબાજી મેળો રદ્દ, પણ દર્શન માટે મંદિર ખુલ્લું
- કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત
- પોલીસ બોડી કેમેરાથી રાખી રહી છે નજર
ગાંધીનગર: દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજી ખાતે સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ કોરોનાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે મેળાની કોઈપણ જાતની પરવાનગી આપી નથી. ત્યારે રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોનાને ધ્યાનમાં લઇને આ વર્ષે ભાદરવીનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દર્શન માટે સવારના 6 વાગ્યાથી રાત્રિના 1.30 કલાક સુધી ખુલ્લુ રહેશે.
51 શક્તિપીઠો પૈકીની એક છે અંબાજી શક્તિપીઠ
પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 51 શક્તિપીઠ પૈકી એક ધાર્મિક શક્તિપીઠ અંબાજીમાં ભાવિક ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. ભક્તો સવારના 6 વાગ્યાથી રાત્રિના 1:30 વાગ્યા સુધી દર્શન કરી શકશે, પરંતુ સવારે 11થી 12 અને સાંજે 5થી 7 મંદિર બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત કોરોનાના નિયમ અનુસાર જ મંદિરમાં દર્શન કરવામાં આવશે.
ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ
કેબિનેટ કક્ષાના પ્રધાન પૂર્ણેશ મોદીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશના ખૂણે ખૂણેથી લોકો ભાદરવી પુનમના દર્શન કરવા માટે અંબાજી આવી રહ્યા છે ત્યારે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે સલામતીને ધ્યાનમાં રાખીને તમામ રસ્તાઓ ઉપર કેમેરા નું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે સાથે જ તમામ હોટેલો ધર્મશાળાઓ અને રેસ્ટોરન્ટમાં પણ સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે આમ આ વર્ષે ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ
જે ભાવિક ભક્તો અંબાજી દર્શન માટે પહોંચી શક્યા નથી. તેઓ માટે અંબાજી ટ્રસ્ટ અને અંબાજી કલેક્ટર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી ભાવિક ભક્તો પોતાના ઘરે તેમના જ મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયા સાઇટ ઉપરથી માં અંબાજીના દર્શન આસાનીથી કરી શકે છે. આમ, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાદરવી પૂનમના દિવસે માં અંબાજીના દર્શન કરી શકાશે.
પોલીસ બોડી કેમેરા સાથે સજ્જ
અંબાજી મંદિર અને અંબાજીમાં સુરક્ષા માટે તૈનાત કરાયેલા પોલીસ કર્મચારીઓ પર બોડી કેમેરા મુકવામાં આવ્યા છે જેથી સાઉન્ડ અને વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ થી કરી શકાય આમ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસે બોડી કેમેરાનો ઉપયોગ પણ કર્યો છે જેનો સીધો સતત મોનિટરિંગ ગાંધીનગર અને જે તે જિલ્લા કચેરી ખાતે પણ થઈ રહ્યું છે આમ ભાદરવી પૂનમમાં કોઈપણ અચૂકથી ઘટના ન બને તે માટે પણ ખુલી પોલીસ કર્મચારીઓ અને સજ્જ કરી દેવામાં આવ્યા છે..