ગાંધીનગર: પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરની આ પ્રમાણપત્ર માટે પસંદગી કરવા પાછળ અનેક મહત્વપૂર્ણ બાબતો આવરી લેવાઇ છે જેમાં સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર ગઢ પરની સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્યસામગ્રીઓ, યાત્રીનિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન ISO એ યુ.કે બેઝડ સંગઠન છે જે દુનિયાભરની સંસ્થા તેમજ સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે ISO સર્ટિફિકેશન માટેની પસંદગી કરે છે.
આદ્યશકિત પીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે આ ISO 9001 : 2015 સર્ટિફિકેશન માટે યાત્રાધામ વિકાસ પ્રધાન દિલીપકુમાર ઠાકોર અને રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવેના માર્ગદર્શનમાં જે રજૂઆત કરી હતી તેની ફલશ્રુતિને પરિણામે ISO ના માપદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતા આ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.
આ સર્ટીફિકેટ 3 વર્ષ માટે માન્ય રહે છે, એટલું જ નહિ, દર વર્ષે સર્વેલન્સ ઓડિટ દ્વારા જે-તે સુવિધાઓની ગુણવત્તાની ચકાસણી પણ થતી હોય છે. આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ ISO 9001 : 2015 સર્ટીફિકેટ અંબાજી યાત્રાધામમાં આવતા યાત્રિકોને પૂજા, યજ્ઞ, પાર્કિંગ, દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધી, પ્રસાદ વ્યવસ્થા, નિવાસ સુવિધા વગેરે બાબતોની જાણકારી માટે ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટીફિક એપ્રોચ સાથેના સી.સી.ટીવી સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર વ્યૂહાત્મક સુરક્ષા, દેખરેખ તેમજ સુરક્ષિત અને હાઇજેનીક-આરોગ્યપ્રદ ખોરાક-ભોજન પ્રસાદ જેવી વિવિધ સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે એનાયત થયું છે.