- રાજ્ય સરકાર પેપરલેસ બજેટ રજૂ કરશે
- નીતિન પટેલ રજૂ કરશે પેપરલેસ બજેટ
- બુકલેટની જગ્યાએ પેન ડ્રાઇવમાં બજેટ આવશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પેપરલેસ બજેટ રજૂ કરશે. વિધાનસભાના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ વર્ષે જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તેવી જ રીતે હવે ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ રાજ્યના નાણાં પ્રધાન પેપરલેસ બજેટ રજૂ કરશે, ત્યારે આ વર્ષે બજેટની બુક નહિ મળે પરંતુ પેન ડ્રાઇવમાં બજેટની કોપી આપવામાં આવશે.
તમામ ધારાસભ્યોને પેન ડ્રાઇવમાં જ બજેટ અપાશે
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભા ગૃહમાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે તમામ ધારાસભ્યોને પણ ગૃહમાં જ બજેટની કોપી આપવામાં આવશે. આ ઉપરાંત બજેટને જોવા માટે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોને ટેબલેટ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. આમ તમામ ધારાસભ્યોને સેન્ટરમાં જ બજેટની કોપી આપવામાં આવશે. કોઈપણ ધારાસભ્યને બજેટની બુકલેટ આપવામાં નહીં આવે.
ખાસ પ્રસ્તાવ માટે બજેટની બુકલેટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે
જો વાત કરવામાં આવે તો વિધાનસભા ગૃહમાં ખાસ પ્રસ્તાવ માટે બજેટની બુકલેટ વિધાનસભાગૃહમાં રજૂ કરવામાં આવશે. જ્યારે અન્ય તમામ ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં જ બજેટની કોપી આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં જે રીતે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું તેવી જ રીતે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાતનું વર્ષ 2021-2022નું બજેટ પેપરલેસ રજૂ કરવામાં આવશે.