આ બાબતે ટાટ ઉમેદવારના આગેવાન શિવરામ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીની જવાબદારી શિક્ષણ સંઘને આપવામાં આવી છે. આ જવાબદારીમાં શિક્ષણ સંઘના હોદ્દેદારો અને સભ્યો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ગણતરીના જ અને જેઓ પૈસા ખવડાવી શકે તેવા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી રહી છે. તેવા આક્ષેપો સાથે આગેવાને આ નિર્ણય રદ કરવાની માંગણી કરી હતી. જ્યારે ટાટ પરીક્ષામાં પાસ થયેલા ગરીબ ઉમેદવારોને આ નિર્ણયથી વંચિત રહી જાય તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે સરકાર દ્વારા કરેલા નિર્ણયને કારણે ભ્રષ્ટાચારને પણ વધુ વ્યાપ મળશે તેથી રાજ્ય સરકારે આ નિર્ણય રદ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019માં જાહેર પરીક્ષામાં કુલ ૪૦ હજાર કે તેથી વધુ વિદ્યાર્થીઓ ટાટ પરીક્ષામાં પાસ થયા છે, ત્યારે હવે આ ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેની નિંમણૂક માટેની તમામ સત્તા રાજ્ય સરકારે શિક્ષણ સંઘને આપી હોવાથી અંદરો અંદરના વ્યક્તિઓને નોકરી આપવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.