- સચિન દીક્ષિત કેસમાં બાળકનું ભવિષ્ય રોળાયું
- બાળકને તરછોડી પરિવાર સાથે UP નીકળી ગયો હતો
- સચિને વડોદરામાં કરી હતી પ્રેમિકાની હત્યા
ગાંધીનગર: સચિન દીક્ષિત કેસ (Sachin Dixit Case) રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો છે. પોતાના 10 મહિનાના બાળકને ત્યજી સચિન દીક્ષિત ત્યાંથી નાસી છુટ્યો હતો જ્યાં પોલીસે તપાસ કરતા એવું પણ સામે આવ્યું હતું કે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને બાળકની માતા મહેંદીનું મર્ડર કર્યું હતું, જેથી આ કેસ વધુ ચર્ચામાં રહ્યો હતો. અત્યારે સચિન દીક્ષિત વડોદરા જેલ (Vadodara Jail)માં છે, માતા આ દુનિયામાં નથી અને તેમનું 10 મહિનાનું બાળક ઓઢવ શિશુગૃહ (Odhav Shishu Gruh)માં છે. દત્તક લેવા માટે ઘણા લોકોની ઔપચારિક તૈયારી છે, પરંતુ બાળકને દત્તક લેવા માટે પિતાનું કન્સર્ન જરૂરી છે.
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ બાળકની મુલાકાત લીધી હતી
સચિન દીક્ષિતે 8 ઓક્ટોબરે રાત્રે તેના બાળકને પેથાપુર ગૌશાળામાં ત્યજી દીધો હતો. પેથાપુર પોલીસે 9 ઓક્ટોબરે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. આ વાત ગૃહપ્રધાન હર્ષ સંઘવી સુધી પહોંચતા તેમણે પણ બાળકની મુલાકાત લીધી હતી અને તેની સ્માઇલને જોઈ તેનું નામ 'સ્મિત' રાખવામાં આવ્યું હતું. ત્યરબાદ મામલો વધુ ગરમાયો હતો અને આ કેસ માટે SOG અને LCB અને પોલીસની એક ટીમ બનાવાઈ હતી.
સ્મિતની માતાની લાશ વડોદરાથી મળી હતી
10 તારીખે સચિન દિક્ષીતે ત્યજ્યો હોવાની શંકાના આધારે તેને રાજસ્થાનથી પકડી લાવી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક કડી સામે આવી હતી. બાળકની માતા કોણ તે પ્રશ્નને શોધતા અંતે 10 મહિનાના સ્મિતની માતાની લાશ પોલીસને વડોદરાથી હાથ લાગી હતી, જેથી આ કેસ વધુ પેચીદો બન્યો હતો. જેમાં સચિને જ તેની પ્રેમિકા અને સ્મિતની માતાનું મર્ડર કરી તેને ત્યજી દીધો હોવાનું સામે આવ્યું હતું.
CCTVના આધારે સચિન દીક્ષિતની ધરપકડ થઈ હતી
અત્યારે બાળકને ઓઢવ બાળ શિશુગૃહમાં રાખવામાં આવ્યો છે અને સચિન જેલના સળિયા પાછળ છે. પરિણીત અને સંતાનનો પિતા હોવા છતાં પ્રેમિકા સાથે સચિને અફેર કર્યું અને તેના દ્વારા થયેલા બાળકને મૂકીને ભાગી ગયો હતો જેના CCTV આવ્યા સામે આવ્યા હતા. CCTVના આધારે સચિન દીક્ષિતને કોટા, રાજસ્થાનથી 10 ઓક્ટોબર સવારે 4 વાગ્યે પોલીસે LCB ગાંધીનગર લવાયો હતો. જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માસૂમ સ્મિતનો પિતા સચિન જ છે અને આ તેની પ્રેમિકાનું બાળક છે. ગાંધીનગરના સેક્ટર 26માં રહેતો સચિન પરણિત હતો અને તેને પત્ની અને એક સંતાન પણ છે. જ્યારે મહેંદી ઉર્ફે હિના પેથાણી સાથે તેને 2018માં પ્રેમ થઈ જતા તેણે વડોદરા નોકરી લીધી હતી અને 5 દિવસ તે વડોદરા અને 2 દિવસ ગાંધીનગર પરિવાર સાથે રહેતો હતો. સચિનની પત્ની આરાધના આ વાતથી અજાણ હતી. 2020માં સચિનના પુત્રનો જન્મ થયો હતો.
સચિન પરિણીત છે એ વાતથી પ્રેમિકા મહેંદી અજાણ હતી
મહેંદીના પિતાએ બીજા લગ્ન કર્યા છે અને તેની માતા નથી, જેથી તે તેની માસીને ત્યાં અમદાવાદ રહેતી હતી. તેના આ પહેલા બીજે લગ્ન થયા હતા, પરંતુ પતિ સાથે મહેંદીએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ સચિન મહેંદીને 2018માં મળ્યો હતો. બંને વચ્ચે પ્રેમ થતા અફેર શરૂ થયું હતું, ત્યારે સચિને મહેંદીથી એ વાત છૂપાવી હતી કે તે પરિણીત છે અને તેને સંતાન પણ છે. એકવાર અનાયાસે સચિનનો મોબાઈલ તેની પત્નીના હાથમાં આવી જતા આ ભાંડો ફૂટ્યો હતો અને આ વાતની જાણ થતા તેણે અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. તેથી પોલીસે બન્ને પરિવારને બોલાવી સમાધાન કરાવ્યું હતું. તેમ છતાં પણ આગળ જતાં મહેંદીએ સચિન સાથે અફેર ચાલું રાખ્યું હતું અને બંનેને એક સંતાન પણ થયું હતું. આ કારણથી પ્રેમિકાની હત્યા કરી લાશને પેક કરી રસોડામાં મૂકી દીધી.
મહેંદીએ હંમેશા માટે તેની સાથે રહેવાનું કહેતા થયો હતો ઝઘડો
08 ઓકટોબરના રોજ સચિન ગાંધીનગર ખાતે રહેતા પરિવાર સાથે તેના મૂળ વતન યુ.પી. જવાનો હતો, જેથી મહેંદીએ તેને રોકી હંમેશા માટે તેની સાથે રહેવા કહ્યું હતું. આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો થયો અને સચિને આવેશ અને ગુસ્સામાં આવી 10 મહિનાના બાળકની સામે જ મહેંદીનું ગળું દબાવી દીધું અને લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી 10 મહિનાના બાળકને લઈ વડોદરાથી ગાંધીનગર આવ્યો હતો અને બાળકને પેથાપુર ખાતે છોડી રાત્રે પરિવાર સાથે યુ.પી. જતો રહ્યો.
8 દિવસ બાદ ત્યજાયેલા બાળક અને સચિન દીક્ષિતનો DNA મેચ થયો
પુરાવા માટે ત્યજાયેલા બાળક અને સચિન દીક્ષિતનો DNA મેચ કરવામાં આવ્યો હતો. આ DNA મેચ થતા સચિન દીક્ષિતનું જ બાળક હોવાનું સાબિત થયું હતું. DNAએ માટે બાળકના દાંતના સેમ્પલ અને સચિન દીક્ષિતના બ્લડ સેમ્પલ લેવાયા હતા. ગાંધીનગર FSLએ આ રિપોર્ટ કરાવી પોલીસને સોંપ્યો હતો. અમદાવાદ ઓઢવ ખાતે અત્યારે સચિનના દિકરાને રાખવામાં આવ્યો છે. બાળકને અત્યારે સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. 2 કેર ટેકર સતત બાળકની સાર-સંભાળ લઈ રહ્યા છે.
સચિને મર્ડર વડોદરામાં કર્યું હોવાથી અત્યારે વડોદરા પોલીસને કેસ સોંપવામાં આવ્યો
સચિન દીક્ષિત તરફી સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, પોલીસે હજુ એવા પુરાવા રજૂ નથી કર્યા કે જેમાં સાબિત થઈ શકે કે સચિન દિક્ષીતે અપહરણ કર્યું છે. મહેંદીના મર્ડરની ઘટના વડોદરામાં બની છે એટલે ગાંધીનગરમાં તેની કાર્યવાહી કરવી યોગ્ય નથી. આવા સંજોગોમાં સચિન દિક્ષીતને જામીન મળવા જોઈએ, જેથી ગાંધીનગર કોર્ટે જામીન આપ્યા બાદ સમગ્ર કેસ અત્યારે વડોદરા પોલીસને હેન્ડ ઓવર કરવામાં આવ્યો છે. સચિન અત્યારે મર્ડરના કેસમાં જેલમાં છે.
પિતા વારસદારો કન્સર્ન કરે તો પ્રોસેસ મુજબ બાળક દત્તક આપી શકાય
મહિલા અને બાળ વિભાગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ કહ્યું કે, "સ્મિત અત્યારે શિશુ ગૃહમાં છે. કાયદાકીય પ્રક્રિયામાં જો કોઈ દત્તક લેવા તેને માંગે છે તો પિતા વારસદારો કન્સર્ન કરે તો પ્રોસેસ મુજબ દત્તક આપી શકાય છે, જેમાં ટેમ્પરરી કે કાયમ માટે હક જતો કરવા માગે છે કે કેમ, તેના ફાધરનો CWC એજન્સી રિપોર્ટ મંગાવે છે, તે તમામ બાબતોને આધારે જ બાળક દત્તક આપવામાં આવે છે." પરંતુ હજુ સુધી તેના વાલી વારસદાર પાસેથી કોઈ કન્સર્ન મળ્યું નથી. જો કે ઔપચારિક રીતે મોટી સંખ્યામાં લોકોએ તૈયારી દર્શાવી છે. 9 ઓકટોબરે પહેલા જ દિવસે રાજ્યના ગૃહપ્રધાનને 190 લોકોએ ફોન કરી આ બાળક દત્તક લેવા માટે તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો: સચિન દીક્ષિતે હજુ સુધી તેના બાળકને મળવા માટે તૈયારી નથી બતાવી