ગાંધીનગરઃ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ઘ-5 ખાતે પટેલ ફાસ્ટફૂડના નામે વેપાર કરતા યુવકે કલેક્ટર કચેરીમાં જ જેરી દવા ગટગટાવી આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે આ યુવક કલેક્ટરના શરણે ગયો હતો, પરંતુ ત્યાંથી પણ નિરાશા મળતા આખરે આ પગલું ભર્યું હતું. જેને સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
વ્યાજખોરોના ત્રાસથી સેક્ટર-26ના આધેડે કલેક્ટર કચેરીમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સે-26 કિશાનનગર ખાતે રહેતાં 47 વર્ષીય ઘનશ્યામ પટેલ સોમવારે ચાર વાગ્યાના સુમારે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર સમક્ષ રજૂઆત કર્યા બાદ તેઓએ બહાર આવીને સીડીઓ પાસે જ ઝેરી દવા પી લીધી હતી. જેને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ તેમને તાત્કાલિક ગાંધીનગર સિવિલ ખાતે ખસેડ્યા હતા. જ્યા તેમને સમયસર સારવાર મળતા તેમની તબિયત વધુ બગડી ન હતી. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસે સિવિલ પહોંચીને જરૂરી નોંધ કરીને તપાસ શરૂ કરી છે.
વેપારીએ કલેક્ટરને ઉલ્લેખીને લખેલો પત્ર મળી આવ્યો છે. જેમાં તેમણે 10 ટકાના વ્યાજે 3 લાખ ઉછીના લીધા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમણે 2.70 લાખ ચૂકવી દીધા હતા અને 30 હજાર ચૂકવવાના બાકી હતા. જે ચૂકવી ન શકતા સામેવાળાએ તેમણે સહી કરીને આપેલા કોરા ચેકમાં 3 લાખ ભરીને બેંકમાં આપતા ચેક રિટર્ન થયો હતો. જે મુદ્દે સામાવાળાએ તેમના પર કોર્ટ કેસ કરેલો છે. જે મુદ્દે માર્ચ મહિનામાં ઘનશ્યામભાઈ પૈસા લઈને સમાધાન કરવા ગયા હતા. આ સમયે બે શખ્સોએ તેમના પર હુમલો કરતાં તેમણે આ અંગે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પત્રમાં જણાવ્યું હતું કે માર્ચમાં સિવિલમાં દાખલ થયા ત્યારે બે પોલીસ કર્મચારી તેમની પાસે આવ્યા હતા. જેઓએ સમાધાન કરાવી દેવાની વાત કરીને કહ્યું હતું કે સામાવાળા 20 લાખ માંગે છે. આ લોકો માથાભારે છે તમે નહીં પહોંચી શકો. તેમની ફરિયાદ લીધા બાદ એક કલાક પછી ફરી બીજા લખાણ પર તેમની સહી લેવાઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. જેના આધારે ફરિયાદ બદલી દેવાઈ હોવાનો આક્ષેપ તેમણે પત્રમાં કર્યો છે.
પત્રમાં તેમણે બે પોલીસ કર્મચારી સહિત 5 શખ્સો સામે આક્ષેપો કર્યા છે. વ્યાજખોરમાંથી એક શખ્સે તેમની સંયુક્ત માલિકીની જમીન પર પૈસા લીધેલા છે. જે મુદ્દે તેમના કુંટુંબના 15 લોકોને નોટિસ મળતા તેમના પરિવારમાં પણ વિખવાદ ચાલું થઈ ગયા છે, ત્યારે આ બધા કારણોથી ત્રાસી ગયેલા હોવાથી તેમણે આપઘાત કરવાનું વિચાર્યું હોવાનું તેમણે લખ્યું છે. આ બનાવને લઇ ગાંધીનગર પ્રાંત અધિકારી પોતાનો કાફલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા.