- નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
- ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
- અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ
ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.
ગુજરાતના બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 2656 કરોડની જોગવાઈ
- અનુસૂચિત જનજાતિના બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 365 કરોડની જોગવાઈ
- દૂધ સંજીવની યોજના અંતર્ગત 53 આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના 8 લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂપિયા 170 કરોડની જોગવાઈ
- અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 138 કરોડની જોગવાઈ
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને મૂકસેવક ઠક્કરબાપાના માગદર્શનથી બનાવવામાં આવેલ સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત અનુસૂચિત જનજાતિની આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ/ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓમાં ખૂટતી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા તથા જર્જરિત વર્ગખંડોના નવીનીકરણ માટે રૂપિયા 30 કરોડની જોગવાઇ
- નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે રૂપિયા 36 કરોડની જોગવાઈ
- અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયો અંતર્ગત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 22 કરોડની જોગવાઇ
- અનુસૂચિત જનજાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી 48,000 વિદ્યાર્થિનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ માટે રૂપિયા 19 કરોડની જોગવાઈ
- સ્વતંત્રતાની રાષ્ટ્રીય ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનારા આદિજાતિ સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલયના નિર્માણ માટે રૂપિયા 26 કરોડની જોગવાઈ
- હાલમાં જ્યારે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધ્યો છે, ત્યારે તેનો લાભ અંતરિયાળ આદિજાતિ વિસ્તારને પણ સરળતાથી મળી શકે તે હેતુથી નેટવર્ક કવરેજ વધારવા નવા મોબાઇલ ટાવર ઊભા કરવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઇ
- આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી સ્માર્ટ ક્લાસ રૂમ શરૂ કરવા રૂપિયા 9 કરોડની જોગવાઈ