- એક મહિનામાં હોસ્પિટલ ઉભી કરાશે
- 18 વર્ષથી નીચેના બાળકોને અહીં રખાશે
- કોરોનાની ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે આયોજન
ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે, ત્યારે 900 બેડની આ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકો માટેની પીડીયાટ્રીક હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને આગામી સમયમાં કોરોનાની અસર બાળકો પર પણ થઈ શકે છે. જેની અગાઉની તૈયારીના ભાગરૂપે આ આયોજન કરવાનું નક્કી કરાયું છે. હોસ્પિટલમાં બાળકોને અનુરૂપ વાતાવરણ ઊભું થઈ શકે તે પ્રકારની ખાસ વ્યવસ્થા પણ ઊભી કરાશે.
આ પણ વાંચો : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રતિમિનિટ 500 ML ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ બનાવાશે
આ હોસ્પિટલમાં 20 ICU અને 80 ઓક્સિજનના બેડ હશે
ત્રીજી લહેરમાં દરેક મેડિકલ કોલેજોને 100 બેડની પીડીયાટ્રીક હોસ્પિટલ બનાવવાના આદેશના ભાગરૂપે આ હોસ્પિટલમાં પણ 100 બેડ ઉભા કરવાનું આયોજન કરવામાં આવશે. જોકે DRDO દ્વારા ત્યાં 900 જેટલા બેડ અત્યારથી જ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ત્યારે ત્રીજી લહેરમાં 900 બેડની અંદર જ 100 બેડ બાળકો માટે ફાળવવામાં આવશે. જેમાં ICUના 20 બેડ હશે. જ્યારે 80 ઓક્સિજનના બેડ ઉપલબ્દ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને ત્રીજી લહેરની આશંકાઓ નિષ્ણાતો દ્વારા સેવવામાં આવી રહી છે, ત્યારે બાળકોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ
બાળકો માટે કલરફુલ વોલ, ગેમ ઝોન અને પ્લે એરિયા પણ બનાવવામાં આવશે
બાળકોને હોસ્પિટલમાં યોગ્ય પ્રકારનું વાતાવરણ મળી રહે તે પ્રકારે તેમનો વૉર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં કલરફુલ વોલ તેમના વૉર્ડમાં ડિઝાઇન કરવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટે ગેમ ઝોન અને પ્લે એરિયા પણ બનાવવામાં આવશે. જોકે હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેમના માટે અલગથી વૉર્ડમાં આ પ્રકારનું આયોજન કરવાનું બાકી છે. આ ઉપરાંત કેટલાક મેડિકલ ઇક્વિપમેન્ટ લગાવવાના બાકી છે. જેથી આગામી એક મહિનાની અંદર પીડીયાટ્રીક હોસ્પિટલ ઊભી કરવામાં આવશે.