ગાંધીનગર: લોકડાઉન દરમિયાન ડબલ મર્ડર કેસમાં સજા ભોગવી રહેલા શખ્સનું 6/7 બસ સ્ટેન્ડ ઘ રોડ ઉપર ઇકો કારની ટક્કરે આજે કમકમાટીભર્યું મોત થયું હતું. ઘ રોડ પર 6/7 ખાતે અકસ્માતમાં વાવોલના યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. યુવકને સે-6 ખાતે માતા-પુત્રીના ડબલ મર્ડર કેસમાં જેલવાસ ભોગવી રહેલો યુવક પેરોલ પર બહાર આવ્યો હતો, જેનું શુક્રવારે અકસ્માતમાં મોત થયું હતું.
વિગતો પ્રમાણે, વાવોલ રહેતો 34 વર્ષીય શશીકાંત રતિલાલ મકવાણા સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે સેક્ટર-7 તરફથી ઘ રોડ પર આવ્યો હતો. આ સમયે ઘ-2 તરફથી આવતી GJ-31-A-9857 નંબરની ઈકો કારે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં રોડ પર પટકાયેલા શશીકાંતને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
અકસ્માતને પગલે ઈકો ગાડીનો ચાલક 100 મીટર આગળ ઉભો રહીને ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2011માં સેક્ટર-6-સી ખાતે રહેતી ડોક્ટર યુવતી અને તેના માતાની હત્યા થઈ હતી. હત્યાના એક મહિના પછી યુવતીના લગ્ન હોવાના કારણે ઘરમાં દાગીના અને રોકડા પૈસા હતાં. જેને પગલે પાડોશમાં રહેતાં યુવક સહિત ચાર મિત્રોએ પ્લાન બનાવીને માતા-પુત્રીની હત્યા કરીને 9 લાખથી વધુની મત્તાની લૂંટ કરી હતી. જે કેસમાં 2017માં કોર્ટે મૃતક શશીકાંત મકવાણા સહિત ચારને આજીવન કેદની સજા ફટકારી હતી.