- મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
- સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિ સામેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી
- રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી: મુખ્યપ્રધાન
- NDRFની 24 ટીમ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત
ગાંધીનગર: ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે શનિવારે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની આફતનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે સમગ્ર વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે સજ્જ થઈ આ આવનારી આફતને પહોંચી વળવા આગોતરૂ આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સંબંધિત જિલ્લાઓએ કરેલી વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી.
આ પણ વાંચોઃ ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ
ઝીરો કેઝ્યુલિટીનો કન્સેપ્ટ
મુખ્યપ્રધાન રૂપાણીએ ‘ઝીરો’ કેઝ્યુઆલિટીના કોન્સેપ્ટ સાથે રાજ્યમાં સંભવિત વાવાઝોડાથી એકપણ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા જિલ્લા વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં આ સંભવિત વાવાઝોડાની અસર થશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સમગ્ર વહીવટીતંત્ર સાબદુ થઈ ગયુ છે. તેમણે પોતે આ જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરીને તેમના જિલ્લાની પરિસ્થિતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી છે.
કોવિડ દર્દી માટે પણ ખાસ વ્યવસ્થા
કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ આપી છે. એટલું જ નહી ગમે તે સંજોગોમાં ઓક્સિજનનો પૂરવઠો અને બીજી જરૂરી સારવાર વ્યવસ્થાઓ સતત જળવાઇ રહે તે માટે આ જિલ્લાના કલેક્ટરોને તાકીદ કરી છે. કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિમાં કોવિડ દર્દીઓ અને સંક્રમિતોને સારવાર મળી રહે, તેમાં કોઇ રૂકાવટ ન થાય સાથોસાથ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિનો પણ મક્કમતાથી સામનો કરી શકીએ તેવું આયોજન છે.
રાજ્યની તમામ હોસ્પિટલ DG સેટ તૈયાર રાખે: મુખ્યપ્રધાન રૂપાણી
રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં DG સેટ તૈયાર રાખવાની સૂચનાઓ આપી છે. જેથી વીજપૂરવઠો ખોરવાય તો પણ કોવિડ-19ના દર્દીઓને સારવારમાં કોઇ તકલીફ પડે નહી. ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહેલા તમામ દર્દીઓ સુરક્ષિત રહે અને જરૂરી જણાય તો તેમને નજીકના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે તેવું નક્કી કર્યું છે. એડવાન્સ લાઇફ સર્પોટ સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ અને ICU એમ્બ્યુલન્સ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી શિફ્ટ કરીને જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ તૌકતે ચક્રવાતની સંભવિત અસરને પહોંચી વળવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના સંપર્કમાં
મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ આ સંભવિત વાવાઝોડાની આફતના સંદર્ભમાં ગુજરાતની સતત ચિંતા કરીને મદદરૂપ થયા છે અને ભારત સરકારે ફાળવેલી NDRFની 24 ટીમ રાજ્યના દરિયા કિનારાના જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. SDRFની પણ 6 ટીમ કાર્યરત કરી દેવાઇ છે. ઉપરાંત BSF, પોલીસ, ફાયરબ્રિગેડને પણ સતર્ક અને સજ્જ કરી દેવાયા છે.
રાજ્યના તમામ પ્રધાનોને અપાઈ જવાબદારી
રાજ્યમંત્રી મંડળના પ્રધાનોને પણ વિશેષ જવાબદારીઓ સોંપીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાતંત્રને માર્ગદર્શન આપવા માટે તાત્કાલિક અસરથી તેમને ફાળવાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે અને પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા જણાવાયું છે.
ક્યા પ્રધાનને કયો જિલ્લો સોંપવામાં આવ્યો ?
ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગીરસોમનાથ, જયેશભાઇ રાદડિયા પોરબંદર, જવાહરભાઇ ચાવડા જૂનાગઢ, દિલીપકુમાર ઠાકોર અને વાસણભાઇ આહિર કચ્છ, ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા, કુંવરજીભાઇ બાવળીયા અમરેલી, ગણપતભાઇ વસાવા અને વિભાવરીબેન દવે ભાવનગર, સૌરભભાઇ પટેલ રાજકોટ, યોગેશભાઇ પટેલ મોરબી, આર. સી. ફળદુ જામનગર, કુમારભાઇ કાનાણી સુરત, રમણભાઇ પાટકર વલસાડ, ઇશ્વરભાઇ પરમાર નવસારી અને ઇશ્વરસિંહ પટેલને ભરૂચ તાત્કાલિક અસરથી પહોંચી જવા સૂચનાઓ આપી છે.
માછીમારોને પરત બોલાવ્યા
વિવિધ બાબતોની સમીક્ષા કરતા મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતુ કે, દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારોને પરત આવવા ફીશરીઝ વિભાગ અને જે તે જિલ્લાના કલેક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી છે, એટલું જ નહીં અગરીયાઓ અને સાગરખેડુઓને દરિયામાંથી જમીન-લેન્ડ પર લઈ લેવા દરિયાકાંઠાના જિલ્લાઓનું વહીવટીતંત્ર કાર્યરત થયું છે.
મુખ્યપ્રધાનના સૂચન
ભારે પવન અને વાવાઝોડાની અસરના કારણે દરેક સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં બારી, બારણાં, કાચ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરને નુકસાન ન પહોંચે તે રીતે વિન્ડ પ્રૂફિંગ કરવાની સૂચના આપી છે. ઊંચી ઇમારતોના થઈ રહેલા બાંધકામ તેમજ ભયજનક હોડિંગ્સ ભારે પવનને કારણે પડી ન જાય તે માટે સૌરાષ્ટ્રની તમામ મ્યુનિસિપાલીટીના ઇજનેરોને ધ્યાન રાખવા સૂચવ્યું છે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી
રાજ્ય સરકારે કોમ્યુનિકેશન નેટવર્ક, રોડ-રસ્તા અને વીજપૂરવઠો સતત જળવાઇ રહે અને આ સંભવિત વાવાઝોડામાં વૃક્ષો પડી જવાથી કે અન્ય રીતે તેને અસર થાય તો તે ઝડપથી પૂર્વવત કરી શકાય તથા ઓક્સિજન સહિતના અન્ય જરૂરી પૂરવઠાના સપ્લાયમાં વિક્ષેપ ન પડે તે માટે માર્ગ અને મકાન, વન વિભાગને તાકીદ કરીને દરેક જિલ્લામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.