- ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકારે લીધો નિર્ણય
- રાજ્ય સરકાર પ્રતિ કિ. ગ્રામ રૂપિયા 50 પ્રમાણે આપશે સહાય
- ફ્રેઈટ ઓન બોર્ડ FOB ભાવ પ્રતિ કિ. ગ્રામ રૂપિયા 180થી વધારીને રૂપિયા 200 આપવાનો મુખ્યપ્રધાનનો નિર્ણય
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યપ્રધાન રૂપાણીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180ને બદલે રૂપિયા 200 આપવાનો નિર્ણય લીધો છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકસાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજુર કરે છે
રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂપિયા 50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂપિયા 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.
FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂપિયા 200 આપવાનો નિર્ણય કર્યો
રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂપિયા 180થી વધારીને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર, 1 જુલાઇ-2021થી 31 ડિસેમ્બર-2021 સુધીના 6 માસ માટે રૂપિયા 150 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ, FOB ભાવ પરિવહન ખર્ચ સાથે રૂપિયા 200 આપવાનો નિર્ણય તેમણે કર્યો છે.
સમગ્ર યોજના 150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો
આ અંગે મુખ્યપ્રધાન રૂપાણીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂપિયા 50 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂપિયા 150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કર્યો છે.
બ્રાન્ડ અમૂલ હેઠળ ભારતમાં અને વિશ્વના 50થી વધુ દેશોમાં વેચાણ કરાય છે
મુખ્યપ્રધાનના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે. જેથી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન) કે જે ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન સંસ્થા છે. અમૂલ ફેડરેશન સાથે સંલગ્ન 18 જિલ્લા કક્ષાના દૂધ સંઘો દ્વારા ગુજરાતના 18,600 ગ્રામ દૂધ સહકારી મંડળીઓ તરફથી રોજનું 250 લાખ કિલોગ્રામ દૂધ સંપાદિત કરવામાં આવે છે. સંપાદિત કરવામાં આવતા દૂધને અમૂલ ફેડરેશન દ્વારા બ્રાન્ડ “અમૂલ” હેઠળ ભારતમાં અને વિશ્વના 50થી વધુ દેશોમાં વેચાણ કરવામાં આવે છે.
દૂધ ઉત્પાદકો દ્વારા સંપાદિત કરવામાં આવતા દૂધના ભાવમાં કોઈજ ઘટાડો કર્યો ન હતો
ગત નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતના દૂધ સંઘો દ્વારા કોવિડ મહામારીની વિકટ અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ દૂધ સંપાદનની પ્રવૃતિ નિરંતર ચાલુ રાખી હતી. કોવિડ મહામારી દરમિયાન જ્યારે ખાનગી દૂધના વેપારીઓ, હોટલ, રેસ્ટોરન્ટ વિગેરે બંધ હતા, ત્યારે ગુજરાતના દૂધ સંઘો દ્વારા રોજનું 35થી 40 લાખ લિટર દૂધ વધુ સંપાદિત કર્યુ હતું અને દૂધ ઉત્પાદકો દ્વારા સંપાદિત કરવામાં આવતા દૂધના ભાવમાં કોઈ જ ઘટાડો કર્યો ન હતો.
કોવિડ સહાય આપવાનું નક્કી કર્યું છે
આ પરિસ્થિતિમાં ગુજરાતના દૂધ સંઘો સાથે સંકળાયેલા 36 લાખથી વધુ દૂધ ઉત્પાદક પરિવારોને મદદ કરવાની ભાવનાથી ગુજરાત સરકાર દ્વારા સ્કીમડ મિલ્ક પાવડર (એસએમપી)ની નિકાસ માટે કોવિડ સહાય આપવાનું નક્કી કર્યું છે.
સ્કીમ મિલ્ક પાવડર પર રૂપિયા 50પ્રતિ કિલોગ્રામની સહાય આપવાના નિર્ણયને બિરદાવ્યો છે
અમૂલ ફેડરેશનના અધ્યક્ષ શામળભાઈ પટેલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં લેતા સ્કીમ મિલ્ક પાવડર પર રૂપિયા 50 પ્રતિ કિલોગ્રામની સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયને બિરદાવ્યો છે. આ અંગે તેમના દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
સમગ્ર મિલ્ક પાવડરને ભાવમાં થશે વધારો
શામળભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સરકારના આ પગલાંથી સમગ્ર ભારતમાં સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં વધારો થશે અને ગુજરાતના દૂધ ઉત્પાદકોને અંદાજિત રૂપિયા 800થી 1000 કરોડનું નુકશાન થતું અટકી જશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્કીમ મિલ્ક પાવડરના વધુ જથ્થાના કારણે દૂધ સંઘો દ્વારા દૂધ સંપાદનના ભાવમાં ઘટાડાની હવે કોઈ શકાયતા નથી અને જેનો સીધો લાભ ગ્રામીણ દૂધ ઉત્પાદકોને થશે.