- વિધાનસભાના ચોમાસુ સત્રની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર
- નવા બનેલા પ્રધાનોના પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા
- હવે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવશે
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ મળવાનું છે. ત્યારે વિધાનસભાનું સત્ર મળે તેના એક મહિના પહેલા તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે. જેમાં વિધાનસભાના સભ્યો એટલે કે ધારાસભ્યો દ્વારા સરકારને પ્રશ્નોત્તરી રૂપે અનેક પ્રશ્નો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં નવું પ્રધાનમંડળ આવતાં જ સભ્યો તરીકે જે ધારાસભ્યોએ પ્રશ્ન કર્યા હતા. તે હવે પ્રધાન બન્યા હોવાથી આ તમામ પ્રધાનોના સભ્ય તરીકેના 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા છે.
પહેલા સભ્ય હવે પ્રધાન તરીકે ગૃહમાં આપશે હાજરી
મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું અને 13 સપ્ટેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. 16 સપ્ટેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળના સભ્યોએ શપથ લીધા હતા. હવે વિધાનસભા ગૃહમાં બેઠક વ્યવસ્થા પણ બદલવામાં આવશે. આમ, પહેલા જે ધારાસભ્યો સભ્ય તરીકે વિધાનસભાગૃહમાં બેસતા હતા. તેઓ હવે પ્રધાન તરીકે વિધાનસભાગૃહમાં હાજરી આપશે.
80 જેટલા પ્રશ્નો રદ્દ થશે
વિધાનસભાના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, એક દિવસ પહેલા વિધાનસભાના સભ્યો દ્વારા સરકારને અનેક યોજના બાબતે પ્રશ્નો કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ ડ્રો મારફતે પ્રશ્નોની પસંદગી કરવામાં આવે છે. આમ, હવે સભ્ય તરીકે કરેલા પ્રશ્નોમાં જે સભ્ય પ્રધાનમંડળમાં સમાવિષ્ટ થયા હશે, તેવા તમામ સભ્યોના પ્રશ્નો તથા ખાસ પ્રસ્તાવો પણ રદ્દ કરવામાં આવશે.
તમામ સિનિયર પ્રધાનો ગૃહમાં પાછળ ની બાજુ જોવા મળશે
વિધાનસભાના નિયમો પ્રમાણે, કેબિનેટ કક્ષાના પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોને પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવે છે. ત્યારે હવે જે રીતે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે રાજીનામું આપ્યું અને ભુપેન્દ્ર પટેલની સરકાર હવે અસ્તિત્વમાં છે. ત્યારે વિધાનસભા ગૃહમાં પાછળ બેઠેલા તમામ સભ્યો હવે પ્રધાનમંડળમાં સમાવિષ્ટ થયા છે. ત્યારે તેઓ ગૃહમાં પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવશે. જ્યારે રૂપાણી સહિતના તેમના પૂર્વ કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પૂર્વ પ્રધાનોને પાછળની બાજુ સ્થાન આપવામાં આવશે.