ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર સુવિધા માટે રાજ્ય સરકાર અનેક પગલાં લઈ રહી છે. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ પર દેખરેખ માટે ખાસ નિમાયેલા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ તથા કેન્સર હોસ્પિટલમાં શરુ કોવિડ હોસ્પિટલનો ઉલ્લેખ કરી જણવ્યું હતું કે, અત્યાર સુધી 3,153 દર્દીઓ અહીં નોંધાયા છે, જેમાંથી 1619 પોઝિટિવ છે અને 800 દર્દી દાખલ છે. જ્યારે છેલ્લા એક મહિનામાં હોસ્પિટલ ખાતે 65,000થી વધુ પી.પી.ઇ. કીટનો વપરાશ થયો છે. રોજની ત્રણથી ચાર હજાર પી.પી.ઇ. કીટ વપરાય છે. અંદાજે 6.5 લાખ N-95 માસ્ક અને 1.25 લાખ હાથમોજા વપરાયા છે.
પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, 21 માર્ચના દિવસે સીએમ રૂપાણીએ આ સ્થળની મુલાકાત લીધી હતી. તે બાદ ટૂંકા ગાળામાં કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે આ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલની દર્દીઓ સમાવવાની ક્ષમતા વધારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની જ કેન્સર હોસ્પિટલને કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જેની ક્ષમતા 500 બેડની છે. આમ સિવિલ હોસ્પિટલની કુલ ક્ષમતા 1700 બેડની થવા પામી છે. જેમાંથી 300 જેટલા બેડ ક્રિટીકલ કેર (આઇ.સી.યુ) માટે ઉપયોગમાં લેવાશે.
મેડિસીટી ખાતે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસ.ઓ.પી. પ્રમાણે તમામ કાર્યો થઇ રહ્યાં છે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા નેગેટીવ પ્રેશર ઉત્પન્ન કરતું એ.એચ.યુ. યુનિટ બનાવવામાં આવ્યું છે. એસ.ઓ.પી. પ્રમાણે અહીં 300થી વધુ તબીબો અને 1500થી વધુ પેરામેડિક કર્મચારીઓ દર્દીઓની સેવામાં ખડેપગે કાર્યરત છે અને સ્ટાફને શહેરની હોટલોમાં તેમજ હોસ્પિટલ પરિસરમાં આવેલી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરાઇ છે. અહીં તેમને ભોજન વગેરે સહિત યોગા-પ્રાણાયામ અને સેનિટાઈઝ થયેલા વાહનોમાં આવન–જાવન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.