- સરકારના રોજગારલક્ષી દાવા પોકળ
- ગુજરાત સરકારમાં 4.64 લાખ કર્મચારીઓમાંથી 1.65 લાખ ફિક્સ પગાર કે કરાર આધારિત
- 11 વાઇબ્રન્ટ સમિટ યોજાયા પછી પણ સરકાર રોજગાર આપવામાં નિષ્ફળ નિવડી
- ગુજરાતમાં 4.5 લાખ કરતા વધુ નોંધાયેલા શિક્ષિત બેરોજગાર
ગાંધીનગરઃ રાજ્યની રોજગાર અને વિનિમય કચેરીઓમાં 4.5 લાખ જેટલા શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. પંચાયત હેઠળ પણ 40 હજાર કરતાં વધુ જગ્યાઓ ફિક્સ પગાર, આઉટસોર્સિંગથી કે કરાર આધારીત નોકરી આપવામાં આવે છે. 1996માં 17.14 લાખ લોકોને રોજગારી મળી હતી. 2018માં 18.26 લાખ લોકોને રોજગારી મળી. આમ સરકાર છેલ્લા 25 વર્ષમાં ફક્ત 1.12 લાખ જેટલી જ નોકરીમાં વધારો કરી શકી છે. 11 વાઇબ્રન્ટ સમિટ યોજાઇ તે સમયે સરકારે રોજગારી આપવાના વાયદા કર્યા હતા,જે તમામ જુઠ્ઠા અને પોકળ સાબિત થયા છે.
આ પણ વાંચોઃ લવ જેહાદ બિલ વિધાનસભા ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરાશે
સરકાર શિક્ષણ માફિયાઓને ઘૂંટણિયે પડી છેઃ શૈલેષ પરમાર
શિક્ષણ ઉપર બોલતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સરકાર શિક્ષણ માફિયાઓને ઘૂંટણિયે પડી છે. કોરોના કાળમાં જ્યારે ફક્ત ઓનલાઇન શિક્ષણ ચાલુ હતું, શાળાઓને કોઈ અન્ય ખર્ચ ન હતો, વાલીઓ તકલીફમાં હતા ત્યારે સંપૂર્ણ ફી માફી આપવાની જગ્યાએ ફક્ત 25 ટકા ફી માફી આપી. આજે સરકારી શાળાઓ-કોલેજોમાં શિક્ષકોની ભરતી થતી નથી. બીજી તરફ ખાનગી શાળાઓમાં નિમ્ન શિક્ષણ સ્તર ધરાવતા લોકોને ઓછા વેતને નોકરીમાં રખાય છે. શિક્ષણની આ હાલત ગુજરાતના ભાવિ સાથે ચેડાં કરવા સમાન છે.
કોરોના ઉપર સરકારની 'દોગલી' નીતિ
અમદાવાદમાં ફેલાયેલા કોરોના લાઈરસ ઉપર બોલતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેમના નામે છે. તેના પ્રચારના ભાગરૂપે કોરોનાને અવગણીને મેચના આયોજનને ઉત્તેજન આપ્યું. તેમાં અમદાવાદની એક શૈક્ષણિક સંસ્થાના પાંચ વિદ્યાર્થીઓ મેચ જોવા ગયા અને શૈક્ષણિક સંસ્થામાં પણ અન્ય લોકોને કોરોના ગ્રસ્ત કર્યા. આવા સુપરસ્પ્રેડર સામે સરકારે પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચોઃ રાજ્યની 16 સરકારી ઇજનેરી કોલેજમાં ખાલી પડેલી જગ્યા ભરાશે
અમદાવાદની ત્રણ પ્રસિદ્ધ જગ્યાને પ્રવાસન નિગમમાં સમાવવા માંગ
શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર, ગોમતીપુરના ઝુલતા મિનારા, દાણીલીમડામાં આવેલી શાહ-એ-આલમ દરગાહને પ્રવાસન નિગમમાં સમાવવામાં આવે.