- કચ્છના અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલાની ઘટનાના પડઘા DGP ઓફિસે પડ્યા
- કોંગ્રેસના ધારાસભ્યોએ DGP આશિષ ભાટીયાને રજૂઆત કરી
- પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી
ગાંધીનગર: ગુજરાતમાં એવા અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ પણ અનુસૂચિત જાતિ (Scheduled Caste)ના લોકોને અસ્પૃશ્યતા (Untouchability)નો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ (Kutch)ના એક ગ્રામ્ય વિસ્તારમાં પણ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અનુસૂચિત જાતિના પરિવારને મંદિરમાં પ્રવેશ કરવાના કારણે માર મારવાના મુદ્દાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે, ત્યારે આજે કોંગ્રેસના 4 ધારાસભ્યો વિરજી ઠુમ્મર, નૌશાદ સોલંકી, ડોક્ટર અનિલ જોષીયારા અને પુંજાભાઈ વંશે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (State Police Chief Ashish Bhatia) સાથે મુલાકાત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગોવિંદભાઈને બંધક બનાવ્યા હતા: નૌશાદ સોલંકી
નૌશાદ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલા નેર ગામમાં દલિત પરિવાર પર હુમલો થયો હતો અને રામજી મંદિરમાં પરિવારને દર્શન કરવા સંદર્ભે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના વિશે પોલીસ તંત્ર જાણતું હતું. તેમને અગાઉ પણ પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ તેમને બંધક બનાવીને માર માર્યો હોવાનો આક્ષેપ પણ નૌશાદ સોલંકીએ કર્યો છે. આ ઉપરાંત આ કાર્યમાં સંડોવાયેલા તમામ દોષિતોને સજા થાય અને કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ નૌશાદ સોલંકીએ કરી હતી.
રામજી મંદિરની જમીન દલિત સમાજની
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, કચ્છના રાપર તાલુકાના ગામ પાસે જે રામજી મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તે જમીન પણ દલિત સમાજની હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે કે આ મંદિરમાં જતા કોઈને રોક્યા નથી ત્યારે આ બાબતે પણ અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.
સમગ્ર ઘટનાએ રાજકીય વળાંક લીધો
કચ્છના રાપર તાલુકામાં જે ઘટના બની તેમાં સૌથી પહેલા જીગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. તો રાજ્ય સરકારમાંથી તાત્કાલિક ધોરણે સામાજીક અને ન્યાય વિભાગ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે, ત્યારે આ મામલો હવે રાજકીય થઈ ગયો હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
આ પણ વાંચો: નેર ગામમાં દલિતો પર હુમલો: ભુજની જનરલ હોસ્પિટલમાં જીગ્નેશ મેવાણીએ દલિત પરિવારની લીધી મુલાકાત