ગાંધીનગરઃ ગુજરાતમાં શરૂ થયેલા રેમડેક ઇન્જેક્શનના ઉત્પાદન બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાજ્ય સરકારે રાજ્યની ઝાયડસ કેડિલા અને બ્યૂટી લાઇફ સાયન્સ ફાર્મા કંપનીને રેમડેક ઈન્જેક્શનના ઉત્પાદન માટેની પરવાનગી આપવામાં આવી છે. આ બંને ફાર્મા કંપની 9 લાખ જેટલા ઇન્જેક્શન દર મહિને ઉત્પાદન કરશે, આમ હવે કોરોના સામે મહત્વપૂર્ણ ગણાતા 9 લાખ ઈન્જેકશન ગુજરાતમાં બનશે.
ઉલ્લેખનીય છે કે, શરૂઆતના દિવસોમાં જ્યારે ઇન્જેક્શનની અછત હતી ત્યારે ઇન્જેક્શનની કાળાબજારી થતી હતી અને 5,000થી 50,000 રૂપિયા સુધી વેચાણ કરવામાં આવતું હતું. ત્યારે હવે ગુજરાતમાં બનનાર રેમડેક ઈન્જેકશનનું વેચાણ રૂ. 2800માં કરાવામાં આવશે અને અત્યાર સુધી રૂ. 4200થી 5400 સુધી ઈન્જેકશન મેળવવા ખર્ચ કરવો પડતો હતો. જ્યારે કોરોના સામે લડત આપવા પ્રતિ માસ ગુજરાતમાં દોઢ લાખ ઈન્જેકશનની જરૂરિયાત પડી રહી છે.