- ગુજરાતમાં કુલ 7813 ખનીજ ખાણ લીઝ ઉપર
- મુખ્ય ખનીજની 324 લીઝ ધારકોએ પર્યાવરણની જરૂરી NOC મેળવી નથી
- ગૌણ ખનીજની 1651 લીઝ ધારકોએ પર્યાવરણની NOC નથી મેળવી
ગાંધીનગરઃ પર્યાવરણીય સમસ્યાથી આજે સમગ્ર વિશ્વ જજુમી રહ્યું છે. ત્યારે ખાણમાંથી ઉત્પન્ન થતો કચરો પાણી, હવા અને જમીનને પ્રદુષિત કરી લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે. જેથી આવી પ્રવૃત્તિ માટે પર્યાવરણીય NOC લેવી જરૂરી બને છે. રાજ્યમાં 423 મુખ્ય ખનીજની અને 7390 ગૌણ ખનીજને લીઝ આપવામાં આવી છે. તે પૈકી મુખ્ય ખનીજની 324 અને ગૌણ ખનીજની 1651 લીઝ ધારકોએ પર્યાવરણની જરૂરી NOC મેળવી નથી.
પર્યાવરણ NOC વગરના લીઝ ધારકો ખાણકામ ન કરે તે જોવું જરૂરી
જે લીઝ ધારકોએ NOC મેળવી ના હોય તેવા લીઝ ધારકોના ઓનલાઈન રોયલ્ટી પાસ બંધ કરવામા આવ્યાં છે. પરંતુ તેનાથી પ્રશ્ન હલ થતો નથી, તેવી રજુઆત કોંગ્રેસના ધારાસભ્યોએ કરી છે. આવી લિઝોમાંથી અનધિકૃત ખાણકામ અથવા અન્ય લીઝોના પાસ પર પણ કામ ચાલુ છે કે નહીં, તે અવાર-નવાર ચેકિંગ થવું જોઈએ. જે અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. નિયત સમયમર્યાદામાં લીઝ ધારક પર્યાવરણીય NOC મેળવવામાં નિષ્ફળ જાય, તો લીઝ રદ કરવાની કાર્યવાહી કરવી જોઇએ. તેવી કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ બેરોજગારી મુદ્દે વિધાનસભાગૃહમાં હોબાળો, 8 શહેરી વિસ્તારોમાં 55,272 બેરોજગારો
કયા-કયા જિલ્લાઓમાં લીઝ અપાઈ છે?
આમ તો દરેક જિલ્લામાં ખનિજોની લીઝ આપવામાં આવી છે. પરંતુ મુખ્ય ખનિજોની સૌથી વધુ લીઝ કચ્છ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા અને પોરબંદરમાં આવેલી છે. જ્યારે ગૌણ ખનિજોની લીઝ સૌથી વધુ કચ્છ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, પોરબંદર અને બનાસકાંઠામાં આવેલી છે. મુખ્ય ખનીજમાં પર્યાવરણીય NOC મેળવી હોય તેવી સંખ્યા સાબરકાંઠામાં સૌથી વધુ છે, ત્યાર બાદ દરેક જિલ્લામાં નહિવત કહી શકાય.
કયા જિલ્લામાં NOCની સંખ્યા ઓછી?
પર્યાવરણીય NOCના મેળવી હોય તેવી ખનીજ લીઝની સંખ્યા કચ્છ, સાબરકાંઠા, ગીર-સોમનાથ, ગાંધીનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વધુ જોવા મળે છે.