ગાંધીનગર : સમગ્ર દેશમાંં જ્યાં જ્યાં યસ બેન્ક આવેલી છે, ત્યાં ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પોતાના પૈસા લેવા માટે ગ્રાહકો બેન્કની બહાર કલાકો સુધી લાઈન લગાવી રહ્યાં છે, ત્યારે સામાન્ય વ્યક્તિ જ નહીં પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 160 કરોડ રૂપિયા પણ યસ બેન્કમાં ફસાયાં હોવાનું નિવેદન નિતીન પટેલે આપ્યું હતું.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે યસ બેન્ક અંગે જણાવ્યું હતું કે, જ્યારે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યસ બેન્ક અંગેની માહિતી બહાર પાડવામાં આવી ત્યારે નાણા સચીવ સાથે તરત જ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. એક ખાસ બેઠક કરીને રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગો, મહાનગરપાલિકાઓ, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કેટલા રૂપિયા ફસાયાં છે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકારનો એક પણ રૂપિયો યસ બેન્કમાં નથી, પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શહેરી વિકાસના નામે આવતું ફંડ રૂપિયા 160 કરોડ યસ બેન્કમાં જમા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને વહેલીમાં વહેલી તકે આ રૂપિયા મહાનગરપાલિકાને ફરીથી સોંપવામાં આવે તે અંગેની પણ માગ કરતો પત્ર રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને લખવામાં આવ્યો છે.
આમ સરકારના જણાવ્યાં પ્રમાણે ફક્ત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ રૂપિયા યસ બેન્કમાં ફસાયાં છે, જ્યારે રાજ્ય સરકારનો એક પણ રૂપિયો યસ બેન્કમાં ફસાયો નથી.