- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા
- 5010 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 137 દર્દીઓના થયા મોત
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,105 કેસ નોંધાયા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 137 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 5010 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
અમદાવાદમાં કોરોના બેકાબૂ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 5142 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 976 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 23 નોંધાયા છે. સુરતમાં કોરોનાના નવા 1958 કેસ, રાજકોટમાં 697 અને વડોદરામાં 598 કેસ નોંધાયા છે. રાજ્યનો રિકવરી રેટ પણ ઘટીને 78.41 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 12 હજારથી વધુ કેસ, 125 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા નાગરિકોનું થયું રસીકરણ?
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 91,51,776 વ્યક્તિઓના પ્રથમ ડોઝ રસીકરણ પૂર્ણ થયું છે અને 17,07,297 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 1,08,59,073 નું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ પણ વાંચોઃ કોરોનાનું તાંડવ યથાવતઃ 24 કલાકમાં ઓલટાઈમ હાઇ 12,206 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 92,084 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 376 વેન્ટિલેટર પર અને 91,708 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ મૃત્યુ 5740 નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,55,875 દર્દીઓએ કોરોનાને માત આપી છે.