- 8,82,000નો કુલ મુદ્દામાલ કબ્જે કરાયો
- સિમેન્ટના પતરાની ઓરડીમાં ટેન્કર હતા તે જગ્યા સીલ કરાઈ
- ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
ગાંધીનગર : LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.એનુરકાર તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ અને રતનસિંહને ખાનગી રીતે બાતમી મળી હતી. જેથી તેમને લવારપુર ગામની સીમમાં આવેલા ગલાલ એન્ટરપ્રાઇઝ સર્વે નંબર 776 નામના રેતીના સ્ટોક પર વપરાતું બાયો ડીઝલ(BIODIESEL) ભરેલી હાલતમાં એક સિમેન્ટના પતરાની ઓરડીમાં જથ્થા સાથે જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો- ટંકારામાં બાયો ડીઝલના જથ્થા સાથે ભાજપ અગ્રણી સહિત ચાર ઝડપાયા
લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો વિના આટલો મોટો જથ્થો રાખ્યો હતો
LCB ટીમ દ્વારા લવારપુર ગામની સીમમાં રેડ કરતા એક શખ્સ પરેશભાઈ પટેલ ત્યાં હાજર મળી આવ્યા હતા અને ગલાલ એન્ટરપ્રાઇઝના માલિક હોવાનું તેમણે જણાવ્યું હતું. જે સાથે જ તપાસ કરતા એક સિમેન્ટના પતરાની ઓરડીમાં બે મોટી સફેદ કલરની પ્લાસ્ટિકની ટાંકી અને નવા પ્લાસ્ટિકના બેરલ તેમજ એક મિનિ ટેન્કર બાયો ડીઝલ કાઢવાનું મળી આવ્યું હતું.
મામલતદારને સ્થળ પર બોલાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
આ બાયો ડિઝલ(BIODIESEL)નો જથ્થો રાખવા બાબતે લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો અંગે પૂછપરછ કરતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલિક મામલતદારને સ્થળ પર બોલાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તેના સેમ્પલ FSL જરૂરી પરીક્ષણ માટે મોકલાયા હતા.
સુરક્ષાને ધ્યાને લઇ આ જગ્યા સીલ કરી દેવામાં આવી
બાયો ડીઝલ (BIODIESEL)12,800 લીટર જેની કિંમત 8,32,000 અને મીની ટેન્કર પણ મળી આવ્યું હતું. જેની કિંમત પણ રૂપિયા 50,000ની ગણી કુલ 8,82,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બધો મુદ્દામાલ સહેલાઈથી ખસેડી શકાય તેમ ન હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આ જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગલાલ એન્ટરપ્રાઇઝના માલિક પરેશ પટેલ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- જામનગરમાં ચોરાઉ ડીઝલનો જથ્થો ઝડપાયો, 4.31 લાખનું ડીઝલ સીલ
કાર્યવાહી કરવા ગાંધીનગર આઇજી અને પોલીસ અધિક્ષકે આદેશ આપ્યા છે
ગાંધીનગર(gandhinagar) જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારમાં બાયો ડીઝલના વેચાણ અને સંગ્રહખોરી અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ગાંધીનગર આઇજી અને પોલીસ અધિક્ષકે આદેશ આપ્યા છે. જો કે, આ પહેલા પણ ગાંધીનગર જિલ્લામાં બાયો ડીઝલ(BIODIESEL) જપ્ત કરવામાં આવ્યા છે.