ગાંધીનગર: કોરોના વાઈરસના કારણે થયેલા લોકડાઉનમાં અન્ય રાજ્યના હજારો શ્રમિકો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફસાયેલા છે. ત્યારે આ તમામ શ્રમિકોને પોતાના રાજ્યમાં જવા માટે કેન્દ્ર સરકર અને રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં રવિવાર 24 મે સુધીમાં કુલ 12.28 લાખ યાત્રીઓ ગુજરાતથી પોતાના વતન પરત ફર્યા હતા.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સાથેના સંકલન દ્વારા તા.25મી મે, સોમવારની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ 882 વિશેષ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા આશરે 12.96 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.
અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો - કામદારોને તેમના વતન રાજ્ય મોકલવા માટે તા. 24મી મે મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ 2989 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત આશરે 40 લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે. આ 2989 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી 839 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માત્ર ગુજરાતમાંથી દોડાવવામાં આવી છે અને આ 839 શ્રમિક સ્પેશિયલ ટ્રેનો મારફત ગુજરાતમાંથી આશરે 12.28 લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
હવે તા.25મી મે, સોમવાર મધ્યરાત્રિ સુધીમાં વધુ 43 ટ્રેન દ્વારા 68 હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ત્રિપુરા, આંધ્રપ્રદેશ જવા રવાના થશે.
જે 43 શ્રમિક ટ્રેનો રવાના થવાની છે તેમાં ઉત્તરપ્રદેશ માટે સુરતમાંથી 14, ગાંધીધામ – મોરબી - મહેસાણામાંથી 1-1 એમ કુલ 17 ટ્રેન, બિહાર માટે સુરતમાંથી 08, રાજકોટમાંથી 02, ગાંધીધામ – ભાવનગર – મહેસાણામાંથી 1-1 એમ કુલ 13 ટ્રેન, ઝારખંડ માટે સુરતમાંથી 02 અને રાજકોટમાંથી 01 એમ કુલ 03 ટ્રેન, આંધ્રપ્રદેશ માટે ગાંધીધામમાંથી 01 ટ્રેન, ત્રિપુરા માટે અમદાવાદમાંથી 01 ટ્રેન અને ઓડિશા માટે સુરતમાંથી 06, રાજકોટ - અમદાવાદમાંથી 1-1 એમ કુલ 08 ટ્રેન દોડશે.
આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો માટે ખૂબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યિલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને સુચારૂ ઢબે રેલવે સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.