- ગાંધીનગરથી રાશન કિટ સાથે ઉપડ્યા 18 ટ્રકો
- હેલ્થ કર્મચારીઓને આપવામાં આવશે મદદ
- ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સને પહોંચાડવામાં આવશે રાજ્યના અલગ અલગ શહેરોમાં
ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘કોરોના સેવા યજ્ઞ’ ’પહેલ દ્વારા વર્તમાન રોગચાળાની પરિસ્થિતિનો સામનો કરવા અને સંચાલન કરવા માટે આ પહેલની શરૂઆત કરી છે. વર્ગ -4 ના હેલ્થકેર કર્મચારીઓ માટે રાશન કીટથી ભરેલી 18 ટ્રકો અને હોસ્પિટલો માટે ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સને ગાંધીનગરથી સુરત સુધી રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ક્રિકેટર પાર્થિવ પટેલ સહીત લોકોએ આ ટ્રકને રવાના કરતા લીલી ઝંડી આપી હતી.
100 ઓક્સિજન કન્સન્ટ્રેટર વિવિધ જગ્યાએ પહોંચતા કરવામાં આવ્યા
કોરોના સેવા યજ્ઞ વિષે વાત કરતા ગવર્નર આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, "કોવિડ -19 સામેની લડતમાં સરકાર સાથે એકતા દર્શાવવાની આ અમારી નમ્ર રીત રહી છે.
પેટીએમ દ્વારા આપવામાં આવેલ 100 કન્સન્ટ્રેટર અમે સરકારની સાથે ચર્ચા વિચારણા કરી ને 25 ઓક્સિજન કન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલ અસારવા, 20 એસએસજી ગવર્નમેન્ટ હોસ્પિટલ વડોદરા, 20 ગવર્નમેન્ટ ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત, 20 પીડીયું ગવર્નમેન્ટ હોસ્પિટલ રાજકોટ અને 15 ગવર્નમેન્ટ હોસ્પિટલ ગાંધીનગર ખાતે આપવામાં આવશે. કોવિડ-19 સંપૂર્ણ નિયંત્રણમાં ન આવી જાય ત્યાં સુધી અમારું લક્ષ્ય આ યોજના ચાલુ રાખવાનો છે."
આ પણ વાંચો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈન્ટરવ્યૂમાં કોરોના અને ગુજરાત સરકારના સેવા યજ્ઞ વિશે જણાવ્યું
પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે 10 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને 500 કીટ આપી
પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે 10 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સનું દાન કરીને અને વર્ગ -4 ના આરોગ્યસંભાળ કામદારો માટે 500 રાશન કીટની વ્યવસ્થા કરીને પહેલના સમર્થનમાં આગળ આવ્યા છે. આ પ્રસંગે વાત કરતા પાર્થિવ પટેલ એ જણાવ્યું કે "આ આરોગ્ય સંકટને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા અને વ્યક્તિગત સ્તરે કરવામાં આવતા પ્રયત્નોથી હું પ્રેરિત છું. હું કટોકટીના આ સમયે ટેકો આપવાનું મારું કર્તવ્ય માનું છું. આ નમ્ર યોગદાન દ્વારા, હું કોવિડ -19 સામે લડી તેમના જીવ જોખમમાં મૂકનારા ફ્રન્ટલાઈન યોદ્ધાઓ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું."