વલસાડઃ વલસાડ જિલ્લામાં સતત ઉંચે જતો કોરોના ગ્રાફ બુધવારે સહેજ અટક્યો છે. બુધવારે જિલ્લામાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. તેની સામે 8 સ્વસ્થ થયા હતા. જ્યારે બે લોકોના મોત થયા હતા. વલસાડના પારડી તાલુકાના 72 વર્ષીય પુરુષ અને વાપીની 75 વર્ષીય મહિલાનું નિધન થયું હતું.
જિલ્લામાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 493 થઈ છે. જેમાંથી 280 સારવાર મેળવી સાજા થયા છે. જ્યારે 170 હજુ કોરોના સામે જંગ લડી રહ્યા છે. કોરોનાને કારણે જિલ્લામાં 6 મોત અને કોરોના ઉપરાંત અન્ય બીમારીથી 37 દર્દીઓ મોતને ભેટ્યા છે. જિલ્લા બહારના 3 મોત નોંધાયા છે. આમ કુલ મૃત્યુઆંક 46 પર પહોંચ્યો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં બુધવારે વધુ 16 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સાથે પ્રદેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 133 થઈ છે. બુધવારે 12 દર્દીઓને રજા આપવા સાથે કુલ 262 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે.
પ્રદેશમાં 6 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 79 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. દમણમાં અત્યાર સુધીમાં કોરોનાથી માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે.