વલસાડ: જિલ્લાના ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા દેશના વિર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલા ઉદ્યોગપતિઓને ચીની સામગ્રીનો બહિષ્કાર કરી દેશને બચાવવાનો સંદેશો UIA (ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન) પ્રમુખે આપ્યો હતો.
ગલવાન ઘાટીમાં ભારત-ચીન સરહદ વિવાદમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે. જેથી ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આ શહીદ જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં UIA કમિટીના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ સરહદ ઉપર શહીદી વહોરનાર વીર શહીદ સૈનિકોના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ શહીદ જવાનોને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
UIAના નવ નિયૂક્ત પ્રમુખ ભગવાન ભરવાડેએ ઉમરગામમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા અંગે કહ્યું હતું. આ સાથે જ કાર્યક્રમ અંતર્ગત તમામ ઉદ્યોગપતિઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તમામનો આભાર માન્યો હતો.
તેમણે ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં એકમો ધરાવતા ઉદ્યોગપતિઓ સહિત ઉમરગામ વાસીઓને આત્મનિર્ભર બનવા સંદેશો પાઠવ્યો હતો. આ સાથે જ આપણા દેશમાં જે પણ ચાઈનીઝ પ્રોડક્ટ વેચાય છે, તેનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બની દેશના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ ઇશ્વર બારી, માજી પ્રમુખ શ્યામ વિઝન સહિત મોટી સંખ્યામાં નામી-અનામી ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.