સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે વન્ય અભ્યારણ્ય એવા સિંહ દર્શન માટેનું લાયન સફારી પાર્ક અને ચિકારા, સાબર, હરણ સહિતના વન્ય પ્રાણીઓનું દપાડા ડિઅર પાર્ક અભ્યારણ્ય બનાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન 15મી જૂન આસપાસથી 1 ઓગસ્ટ સુધી બંધ રહેતાં બંને પાર્કમાં બાકીના સાડા 10 મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ પ્રવાસીઓ પાસેથી વનવિભાગ નજીવા દરની ટીકિટની આવકને અભ્યારણયના ખર્ચ પેટે સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે છે.
વન વિભાગના RFO કિરણ પરમારે જણાવ્યું કે, ગત વર્ષ એપ્રિલ 2017થી માર્ચ 2018 દરમિયાન લાયન સફારી પાર્કમાં 93962 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 65991 પુખ્તવયના પ્રવાસીઓ, 27930 બાળકો, 41 વિદેશી પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 19,38,275 રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. તેવી રીતે એપ્રિલ 2017 થી માર્ચ 2018 દરમિયાન દપાડા ડિઅર પાર્ક વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં કુલ 76,508 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં 51,674 પુખ્તવયના પ્રવાસીઓ, 24,785 બાળકો અને 49 વિદેશી પ્રવાસીઓ પાસેથી ટીકીટ પેટે 15,65,910 રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવ્યા હતા. જે મુજબ વર્ષ 2017-18માં વનવિભાગે કુલ 170470 પ્રવાસીઓ પાસેથી 35,04,185 રૂપિયાની આવક મેળવી હતી.
જ્યારે વર્ષ 2018-19ની વાત કરવામા આવે તો એપ્રિલ 2018 થી માર્ચ 2019 દરમિયાન લાયન સફારી પાર્કમાં કુલ 99727 પ્રવાસીઓ થકી 20,71,820 અને દપાડા ડિયર પાર્ક ખાતે 83632 પ્રવાસીઓ થકી 15,53,035 રૂપિયાની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી છે. વર્ષ 2019ના વેકેશનનના મહિના ગણાતા એપ્રિલ અને મે મહિના દરમિયાન લાયન સફારી પાર્કમાં 17192 પ્રવાસીઓ, દપાડા ડિઅર પાર્કમાં 13316 પ્રવાસીઓ પાસેથી ટિકિટના પેટે 4,93,340 રૂપિયા વસુલ્યા છે. જેને જોતા વનવિભાગે એપ્રિલ 2018થી લઈને 31 મેં 2019 સુધીમાં કુલ 213867 પ્રવાસીઓ જેમાં પુખ્તવયના 139925 અને 73908 બાળકો પાસેથી કુલ 41,18,195 રૂપિયા ટીકીટ પટે વસુલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવ્યા છે.
હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ છાંયડાની અને પાણીની સુવિધા ઉભી કરી છે. એવી જ રીતે લાયન સફારીમાં સિંહ-સિંહણ માટે અને દપાડા ડિઅર પાર્કમાં ચિંકારા, સાબર, હરણ માટે પાણીનું તળાવ, ગરમીથી બચવા કુલર, ફેન સહિતની અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે લાયન સફારી પાર્કમાં લાયન સફારી પાર્ક બન્યું ત્યારથી પાર્કમાં રહેલી સોનલ નામની સિંહણ હાલ વયમર્યાદાને કારણે બીમાર છે. જેને લઈને તેની ચિંતા વનવિભાગને સતાવી રહી હોવાનું જણાવી કિરણ પરમારે જણાવ્યું કે, સોનલે છેલ્લા 25 દિવસથી ખાવા પીવાનું બંધ કર્યું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. નવસારીના ડોકટરની સલાહ મુજન તેની વિશેષ કાળજી લેવાઈ રહી છે. પરંતુ સોનલ નામની સિંહણ 20 વર્ષ ઉપરાંતનું આયુષ્ય ભોગવી ચુકી છે. એટલે હાલ તેની વયમર્યાદા પુરી થવા આવી છે. પરંતુ તે વધુ લાબું આયુષ્ય ભોગવે તેવા માટે વન વિભાગ તેની તમામ પ્રકારની સારવાર કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાના સમયગાળા દરમિયાન પ્રાણીઓની બિલ્ડીંગ સીઝન હોવાને કારણે તે હિંસક બનતા હોય છે. તેમજ અભ્યારણ્યમાં ચોમાસુ વરસાદને પગલે કાચા રસ્તા ઉપર વાહનો ચાલી નથી શકતા માટે આ સમયગાળા દરમિયાન બન્ને અભ્યારણ્ય પ્રવાસીઓની મુલાકાત માટે બંધ રાખવામાં આવે છે. જ્યારે તે સિવાય ખાનવેલમાં બટરફ્લાય પાર્ક બનાવવામાં આવ્યું છે. સેલવાસમાં નક્ષત્ર આધારિત નક્ષત્ર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. જે માટે કોઈ ટિકિટના દર રખાયા નથી. તેમ છતાં પ્રકૃતિ સંપદાથી ઘેરાયેલ દાદરા નગર હવેલીમાં આવતા વિવિધ રાજ્યોના પ્રવાસીઓ થકી ફોરેસ્ટ વિભાગની તિજોરી ગત વર્ષની તુલનાએ 6,14,010 રૂપિયાની વધુ આવકથી છલકાઈ છે.