વલસાડઃ જિલ્લામાં શુક્રવારે કોરોનાના કહેરમાં રાહત રહેતા માત્ર 04 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે, વધુ ત્રણ દર્દીઓના મોત સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો આંક 100ને વટાવી ગયા છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 903 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 717 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 89 દર્દીઓ સારવાર હેઠળ છે.
વલસાડ કોવિડ હોસ્પિટલમાં 2 પુરુષ દર્દીઓ અને વાપી જનસેવા કોવિડ હોસ્પિટલમાં એક પુરુષ દર્દી મળી વધુ 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસમાંથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 100 પર પહોંચી છે. શુક્રવારે વધુ 09 દર્દીઓ સ્વસ્થ થતાં તેને સારવાર માંથી રજા આપવામાં આવી હતી.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદી મહોલ વચ્ચે કોરોના કહેર સતત વધી રહ્યો છે. દાદરા નગર હવેલીમાં શુક્રવારે વધુ 25 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 955 પહોંચી છે. શુક્રવારે 17 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જે સાથે અત્યાર સુધીમાં કુલ 718 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. આમ છતાં હજુ પણ 237 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પ્રદેશમાં વધતા કોરોનાના કેસના કારણે કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. શુક્રવારના વધુ 14 કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 277 કન્ટેન્મેન્ટ ઝોન લાગૂ કરાયા છે. જેમાં 154 કન્ટેન્ટમેન્ટ ઝોન તો માત્ર સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં છે. જ્યારે 123 કન્ટેન્મેન્ટ ઝોન 20 ગ્રામ પંચાયતના વિવિધ વિસ્તારોના છે.
સંઘપ્રદેશ દમણમાં પણ શુક્રવારે 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 20 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા હતા. દમણમાં 933 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી હાલ 139 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 794 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. દમણમાં શુક્રવારના 04 નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 78 કન્ટેન્મેન્ટ ઝોન છે.