દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રવિવારે કુલ એક્ટિવ કેસનો આંક 105 પર પહોંચ્યા છે. રવિવારે દાદરા નગર હવેલીમાં એક તરફ 10 કોરોના દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી, તો બીજી તરફ નવા 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દાદરા નગર હવેલીના સામરવરની અને દાદરા ગામમાંથી નવા કેસ સામે આવતા આ વિસ્તારમાં 2 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.
રવિવારે નોંધાયેલ 13 પોઝિટીવ દર્દીઓમાંથી 9 દર્દીઓ હાઇરિસ્ક દર્દીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. જ્યારે 4 દર્દીઓની પ્રદેશ બહારની ટ્રાવેલ હિસ્ટ્રી છે. દાદરા નગર હવેલીમાં સતત કોરોના મહામારીના ભરડાને કારણે પ્રશાસન સતર્ક છે. ત્યારે, સાંસદ મોહન ડેલકરે પણ લોકોને સાવચેત રહેવા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની જેમ દમણમાં પણ રવિવાર અપશુકનિયાળ રહ્યો હતો. રવિવારે દમણમાં 19 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. દમણમાં રવિવારે 7 દર્દીઓને રજા આપવામાં આવી હતી, તેમ છતાં હજુ પણ કુલ એક્ટિવ કેસનો આંક 102 પર છે. રવિવારે નોંધાયેલ 19 દર્દીઓમાં નાની દમણ ખારીવાડ, કડેયા, દલવાળા વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યાં નવા 4 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દમણમાં નોંધાયેલ 19 વ્યક્તિઓમાંથી 10 વ્યક્તિઓ ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. તો એકની દમણ બહારની ટ્રાવેલ હિસ્ટ્રી છે.
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના સંયુક્ત પ્રદેશની વાત કરીએ તો બંને પ્રદેશના મળીને કુલ 207 કોરોનાના એક્ટિવ કેસ છે. જેઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જ્યારે અત્યાર સુધીમાં 148 દર્દીઓને રજા આપવામાં આવી છે.