- સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામતા દર્દીઓ માટે શરૂ કરાઈ સેવા
- દરરોજે સરેરાશ 20 દર્દીઓની અંતિમવિધિ કરાવવામાં આવે છે
- આ સેવા માટે દર્દીના સંબંધીઓ પાસેથી એક રૂપિયો પણ લેવાતો નથી
પારડી: સમગ્ર રાજ્યમાં હાલ કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. આ વચ્ચે વલસાડના પારડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત મોક્ષરથ સમિતિ દ્વારા એખ વિશેષ શબવાહિની શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓને વિનામૂલ્યે હોસ્પિટલમાંથી સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સને શબવાહિની એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવી
મૃત્યુઆંક વધતા સિવિલ હોસ્પિટલમાં શબવાહિનીઓની અછત
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતો નથી. હોસ્પિટલમાં જ નજીકના એક કે બે સંબંધીઓને મૃતદેહ બતાવીને સીધો સ્મશાનમાં લઈ જવામાં આવતો હોય છે. હાલમાં વધી રહેલા મૃત્યુઆંકને કારણે સિવિલ હોસ્પિટલમાં પણ શબવાહિનીઓની અછત ઉભી થઈ હતી. જેના કારણે મોક્ષરથ સમિતિ સહિત ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારની મદદ કરવામાં આવે છે. જેના માટે દર્દીના સ્વજનો પાસેથી સ્વૈચ્છિક રીતે ફાળો પણ લેવામાં આવતો હોય છે.
આ પણ વાંચો: માતાની સારવાર માટે વેન્ટિલેટર ના મળ્યું, અંતિમસંસ્કાર માટે શબવાહિની ના મળી !
એક કોરોના દર્દીની અંતિમ વિધિ પાછળ સરેરાશ 3500 રૂપિયા ખર્ચ
કોરોના મૃતકોની અંતિમ વિધિ કરવા માટે ગાઈડ લાઈનનું પાલન કરવુ પડે છે. તે સમયે હાજર તમામ લોકોએ PPE કીટ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની સંપૂર્ણ તકેદારી રાખવી પડે છે. કોરોના દર્દીના એક મૃતદેહને હોસ્પિટલથી સ્મશાન સુધી લાવવામાં તેમજ તેની અંતિમ વિધિ કરવા પાછળ સરેરાશ 3500 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. આ ખર્ચ હાલમાં મોક્ષરથ સમિતિ અને કેટલાક દાતાઓ ભોગવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીના સંબંધીઓ પણ સામે ચાલીને સંસ્થાને આ ખર્ચ આપી દેતા હોય છે.