- 126 યુનિટ રક્ત કર્યુ એકત્રિત
- રક્તદાતાઓને તુલસીનો છોડ આપવામાં આવ્યો
- સંસ્થા સાથે જોડાયેલા લોકોએ કર્યુ રક્તદાન
વાપી: વાપીમાં અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ અને મામાના હુલામણા નામે જાણીતા ઉદ્યોગપતિ શાંતિલાલ શાહના જન્મદિવસે તેમના પરિવારજનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, શાંતિલાલ શાહનું કોરોનાકાળમાં નિધન થયું હતું.
પિતાના જન્મદિન નિમિત્તે દિકરીઓએ યોજ્યો કેમ્પ
વાપીના લાયન્સ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 126 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ઉદેશય અંગે સ્વ. શાંતિલાલ શાહના પત્ની પ્રવીણા શાહે જણાવ્યું હતું કે, તેમના પતિ સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ હતાં. ત્યારે તેના જન્મ દિવસને યાદગાર બનાવવા માટે દીકરીઓ રૂપલ અને દર્શનાને રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર આવ્યો હતો.
રક્તદાન કેમ્પ યોજી જન્મદિન બનાવ્યો યાદગાર
ઉદ્યોગપતિ શાંતિલાલ વાપીના એજ્યુકેશન ટ્રસ્ટ સહિત વિવિધ સેવાભાવી ટ્રસ્ટમાં સેવા આપતા હતાં. જેને કારણે રક્તદાન શિબિરમાં વાપીના અનેક ઉદ્યોગપતિઓ, સંસ્થાના આગેવાનો, પોતાના ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી રક્તનું દાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં 101 યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર સેવ્યો હતો જેની સામે રક્તદાતાઓએ 126 યુનિટ રક્તનું દાન કર્યું હતું. રક્તદાન પ્રસંગે શાંતિલાલ શાહના પરિવારજનોએ દરેક રક્તદાતાને તુલસીનો છોડ અને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતાં.