- ડુંગરામાં 32 એકર જમીન પર બનશે સૌથી લાબું રેલવે સ્ટેશન
- જમીનના માલિક કિશોર ભાનુશાળીએ ETV ભારત સાથે કરી ખાસ વાતચીત
- 'લોકોને વળતર ઓછું મળ્યું છે'
વાપી: અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં સુરતથી મુંબઈ વચ્ચેનું સૌથી લાબું રેલવે સ્ટેશન બનવા જઇ રહ્યું છે. જેમાં અંદાજીત 32 એકર જેટલી જમીન જશે. આ માટે પ્રોજેક્ટ એજન્સી દ્વારા જમીન માપણી કરી ખાસ માર્કિંગ કરવામાં આવ્યા છે.
90 ટકા વળતર ચૂકવી દેવાયું
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વાપીમાં બનનાર રેલવે સ્ટેશન 1.2 કિલોમીટર જેટલું લાબું બનાવવામાં આવશે. બે ટ્રેક મુજબ અંદાજીત 150 મીટર જમીન આ ટ્રેકમાં જઇ રહી હોવાથી તેટલા વિસ્તારમાં આવતી રહેણાંક ઇમારતો, ખેતીવાડીની જમીનમાં માપણી કરી અત્યાર સુધીમાં 90 ટકા વળતરની રકમ ચૂકવી દેવામાં આવી છે.
સ્થાનિકોમાં ઓછા વળતરનો કચવાટ
જો કે, સ્થાનિક લોકો તેમજ જેમની જમીન આ પ્રોજેક્ટમાં જઈ રહી છે, તેવા લોકોમાં યોગ્ય વળતર ચૂકવાયું ન હોવાનો કચવાટ જોવા મળી રહ્યો છે. વાપીમાં બુલેટ ટ્રેન માટે જે જમીન પર રેલવે સ્ટેશન બનવાનું છે તે જમીનના માલિક કિશોર ભાનુશાળીએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે જમીન પર લોકોએ 8થી 20 લાખના ફ્લેટ સહિતની મિલકતો ખરીદી છે. તેને સરકાર દ્વારા અપાતી રકમ મુજબ માર્કેટ ભાવથી 40 ટકા ઓછી રકમ મળી રહી છે. આ અંગે અનેક વખત તેમણે રજૂઆતો પણ કરી છે, આંદોલનો કર્યા છે. પરંતુ તેમ છતાં તેનું પરિણામ શૂન્ય છે. જો કે આ મહત્વાકાંક્ષી પ્રોજેકટથી વાપીમાં ઉદ્યોગોને અનેક ફાયદાઓ થવાના છે.