વલસાડ: જિલ્લા ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં શુક્રવારે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોલીસે હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા બાઈક ચાલકોને રોકી તેમની પાસે દંડ વસૂલવાને બદલે સ્થળ ઉપર જ હેલ્મેટનો સ્ટોલ ઉભો કરી નહીં નફો નહીં નુકસાનના ધોરણે હેલ્મેટ ખરીદાવ્યાં હતાં. વાહનચાલકોએ પણ પોતે દંડાયા હોવા છતાં દંડથી બચવાના આ નવા પ્રયોગને હોંશે-હોંશે સ્વિકારી હેલ્મેટની ખરીદી કરી હતી.
આ અંગે ટ્રાફિક પોલીસના PSI જગદીશ પરમારે જણાવ્યું હતું કે, પોલીસ લોકોને દંડ જ કરીને હેરાનગતિ કરવા નથી માંગતી, પરંતુ હેલ્મેટનો કાયદો હોવા છતાં લોકો હેલ્મેટનું મહત્વ ન સમજતા હોવાથી દરેક લોકો દંડ નહીં પણ હેલ્મેટ પહેરે અને પોતાની જિંદગી બચાવે એવા ઉદ્દેશ્ય સાથે ટ્રાફિક પોલીસ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.