- મધદરિયે ડૂબતા 4 માછીમારોને બચાવાયા
- ખતલવાડા ના માછીમારોને બોટ સાથે બચાવી કિનારે લવાયા
- નારગોલ-ઉમરગામના માછીમારોનું રેસ્ક્યૂ ઓપરેશન
વલસાડ: અરબી સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના 4 માછીમારોની બોટમાં પાણી ભરાઇ જતા ડૂબી રહેલી બોટને અને માછીમારોને હેમખેમ બચાવી લેવાયા છે. ઉમરગામ અને નારગોલના માછીમારોએ આ સાહસિક કાર્ય કરી માછીમારોને બચાવી અન્ય બોટો સાથે દોરડા બાંધી ડૂબી રહેલી બોટને પણ નારગોલ બંદરે લાવી હતી.
નોટિકલ માઇલ દરિયામાં બોટ ડૂબી
આ અંગે નારગોલ ગામના માછીમાર મુકુંદ ભગતના જણાવ્યા મુજબ રવિવારના સવારે 09:00 કલાકના સુમારે તે માછીમારી કરી કિનારા તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન GPS લોકેશન 1135-11 નોટિકલ માઇલ્સ અંદર ખતલવાડા ગામના ઉત્તમભાઈ માછી નામક માછીમારીની 25 ફૂટ લાંબી બોટ 04 ખલાસીઓ સાથે પાણી ભરાવાના કારણે ડૂબી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.
20 જેટલી બોટથી બચાવ કામગીરી હાથ ધરાઈ
આ ઘટના દરમિયાન ઉમરગામની અન્ય 04 જેટલી બોટો પણ નજીક હોવાથી ડૂબી રહેલી બોટની અંદર રહેલા 04 માછીમારો અને બોટની અંદર રહેલી જાળ અને અન્ય સામગ્રી તેમની બોટોમાં સુરક્ષિત કરી હતી. જો કે, બોટને બચાવવા માટે મુકુંદભાઈએ નજીકમાં માછીમારી કરી રહેલા નારગોલ બંદરની 20થી વધુ બોટોને વાયરલેસ ઉપર સંપર્ક કરી ઘટનાની જાણ કરતાની સાથે જ યુદ્ધના ધોરણે તમામ બોટો આવી પહોંચી હતી અને માછીમારોએ સાહસ ખેડી બચાવ અભયાન શરૂ કર્યું હતું.
ગામના લોકોએ સાહસને બિરદાવ્યું
ડૂબી રહેલી બોટને તમામ 20 જેટલી બોટો સાથે દોરડું બાંધી 11 નોટિકલ માઇલ્સ અંદરથી નારગોલ બંદરે લાવવામાં આવી હતી. માછીમારોના સાહસના કારણે જળસમાધી લઇ રહેલી બોટને 04 ખલાસી સહિત સુરક્ષિત બચાવી લેવામાં આવતા ખતલવાડા ગામના માછીમાર પરિવારોમાં આભારની લાગણી પ્રગટ થઈ હતી. આ ગામના તમામ આગેવાનોએ માછીમારોના આ સાહસિક કાર્યની પ્રશંશા કરી હતી.