- પ્રવાસીઓમાં ફરવા અને દારૂ પીવાના સ્થળ તરીકે જાણીતું છે દમણ
- માત્ર દારૂ પીવાના સ્થળ તરીકે જ ન ઓળખાય તે માટે તંત્ર સજાગ
- આગામી દિવસોમાં વિકાસના વિવિધ કામો થકી દમણની કાયાપલટ કરાશે
દમણ: ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે દમણ એ એક માનીતું પ્રવાસન સ્થળ છે. જોકે, હાલ દમણમાં મોટાભાગના લોકો દરિયો અને દારૂની લહેજત માણવા જ આવતા હોય છે. જેના કારણે દમણ માત્ર આ 2 વસ્તુઓ માટે જ નહીં, પરંતુ તેની સાથે પોર્ટુગીઝો દ્વારા 450 વર્ષ અગાઉ બનાવવામાં આવેલા ચર્ચ, કિલ્લાઓ, ગાર્ડન્સ સહિતના પર્યટન સ્થળો માટે પણ ઓળખાય તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલના પ્રશાસન દ્વારા વિવિધ બીચ પર સ્વચ્છતાથી લઈને વિવિધ પ્રવાસન આકર્ષણો શરૂ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે.
દમણની આઝાદી બાદ જાળવણી કે વિકાસને લઈને પહેલ નથી થઈ
ભાજપના જિલ્લા અધ્યક્ષ અસ્પી દમણિયાના જણાવ્યા પ્રમાણે, 450 વર્ષના પોર્ટુગીઝ શાસન દરમિયાન તેઓએ દમણમાં ભવ્ય કિલ્લો બનાવ્યો હતો, સુંદર ચર્ચનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત મ્યુનિસિપલ માર્કેટ, હોસ્પિટલ સહિતની અદ્વિતિય ઈમારતો ઉભી કરી હતી. આ તમામ સ્થળો આટલા વર્ષો બાદ પણ આજે અડીખમ ઉભા છે. જોકે, 1961માં દમણની આઝાદી બાદ તેની જાળવણી કે વિકાસને લઈને જોઈએ તેટલી પહેલ નથી કરવામાં આવી. તેથી હાલમાં દમણ માત્ર દારૂ પીવા અને દરિયા કિનારે મોજ માણવા પૂરતું સીમિત રહી ગયું છે. જોકે, હાલના પ્રશાસન દ્વારા પણ દમણને ટૂરિસ્ટ્સ માટે સારૂ એવું ડેસ્ટિનેશન બનાવવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.
જમ્પોર બીચને બ્લૂ ફ્લેગની માન્યતા મળે તે માટેની કામગીરી
હાલમાં દમણમાં કરોડોના ખર્ચે પોર્ટુગીઝ વિરાસતોની કાયાકલ્પ કરવામાં આવી રહી છે. આ સાથે જ અન્ય રાજ્યોના તેમજ વિદેશી પ્રવાસીઓ દમણમાં ફરવા આવે તે માટે જમ્પોર બીચને બ્લૂ ફ્લેગની માન્યતા મળે તે દિશામાં તૈયારીઓ શરૂ કરવામાંં આવી છે. દમણમાં જેમ પોર્ટુગીઝ સમયના કિલ્લા, ચર્ચ, ગાર્ડન, માર્કેટ્સ છે. તેવી જ રીતે જમ્પોર અને દેવકા સી-ફેઝ બીચ છે. જેને હાલમાં ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં આ વિકાસ બાદ પ્રવાસન ક્ષેત્રે જે રીતે ગોવાનો વિકાસ થયો છે, તે જ રીતે દમણનો પણ વિકાસ કરવામાં આવશે.
વિદેશી પ્રવાસીઓને અકર્ષવાનો લક્ષ્યાંક
હાલમાં દમણ-દીવ, દાદરા નગર હવેલીના પ્રશાસક દ્વારા ત્રણેય સંઘ પ્રદેશને માત્ર લિકર ફ્રી કે ઔદ્યોગિક ક્ષેત્રે નામના અપાવવાને બદલે પ્રવાસન ક્ષેત્રે નામના અપાવવાનું બીડું ઝડપ્યું છે. જેમાં દિવના ઘોઘલાં બીચને બ્લુ ફ્લેગની માન્યતા મળી ગઈ છે. દમણમાં જમ્પોર બીચ માટે તે તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓ માટે અહીં બર્ડ પાર્ક, ફિશ એકવેરિયમ, ઝૂ-પાર્ક, સુંદર ગાર્ડન, બીચ પર પ્રવાસીઓ માટે વિવિધ રાઈડના આકર્ષણો સહિતની સુવિધાઓ માટે તડામાર તૈયારીઓને સમયાંતરે આખરી ઓપ આપી પ્રવાસીઓને અકર્ષવાનું ઉદેશ્ય છે.