વાપી: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શનિવારે વધુ 25 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 33 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીના કુલ નોંધાયેલા દર્દીઓમાં 980 દર્દીઓની સંખ્યા સામે 751 દર્દીઓને સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જ્યારે 229 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીમાં આજના નવા 21 કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ કન્ટેન્મેન્ટ ઝોનનો આંકડો 298 પર પહોંચ્યો છે.
સંઘપ્રદેશ દમણની વાત કરીએ તો સંઘપ્રદેશ દમણમાં શનિવારે 13 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 17 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. સંઘપ્રદેશ દમણમાં અત્યાર સુધીમાં કુલ 946 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 811 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. જ્યારે 135 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દમણમાં કુલ કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો તેની સંખ્યા 83 ઉપર પહોંચી છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં શુક્રવાર બાદ શનિવાર પણ રાહતનો દિવસ રહ્યો હતો. શનિવારે વલસાડ જિલ્લામાં એક પણ કોરોના દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. જ્યારે નવા માત્ર 05 દર્દીઓ જ નોંધાયા છે. જેની સામે 09 દર્દીઓ સ્વસ્થ થયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીના કુલ દર્દીઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં 908 દર્દીઓ નોંધાય ચુક્યા છે. જેમાંથી 726 દર્દીઓ સ્વસ્થ થયા છે અને માત્ર 85 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 908 કુલ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 100 દર્દીઓ મૃત્યુને ભેટ્યા છે. જો કે તેમ છતાં રિકવરી રેટ ખૂબ જ સારો હોવાથી હાલમાં માત્ર 85 દર્દીઓ સારવાર હેઠળ હોવાથી વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે.