- દમણ બસ સ્ટેશનમાં ટોયલેટ લીકેજ
- મોબાઈલ ટોયલેટની ગંદકીથી લોકો ત્રસ્ત
- મળમૂત્રની ટાંકી લીકેજ હોવાથી અસહ્ય બદબુ
દમણ: સંઘ પ્રદેશના બસ સ્ટેશને વાપી આસપાસના શહેરોના લોકલ સહેલાણીઓ બસ મારફતે મોટી સંખ્યામાં આવતા હોય છે. આ સહેલાણીઓ અને આસપાસની જનતાની સુવિધા માટે પ્રશાસન દ્વારા બસ ડેપો નજીક મોબાઈલ ટોયલેટ વાન મુકવામાં આવી છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ કે લોકોના મળમૂત્રનો સંગ્રહ કરતી આ મોબાઈલ ટોઇલેટની જ ટાંકી લીકેજ છે. જેથી તમામ મળમૂત્ર ટોઇલેટની ટાંકીમાં સંગ્રહ થવાને બદલે નીચે વહી જાય છે. જેને કારણે ગંદકી ફેલાતા આસપાસની સ્થાનિક જનતાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે.
પ્રવાસીઓએ મોઢે બાંધવા પડે છે રૂમાલ
અહીં રોજ સરકારી બસો ઉભી રહે છે. નજીકમાં જ રિક્ષા અને ટેક્ષી સ્ટેન્ડ પણ આવેલા છે. એટલે રોજબરોજના હજારો લોકો આ રસ્તેથી પસાર થતા હોય છે. આ લોકો કદાચ કોરોના કાળમાં મોઢે માસ્ક નહીં બાંધતા હોય પણ અહીં પસાર થવા માટે દરેક વ્યક્તિએ ટોઇલેટની લીકેજ ટાંકીના પ્રતાપે ફરજીયાત મોઢે રૂમાલ બાંધવો પડે છે.
બદબુ મારતા ટોયલેટને બદલવા માગ
દમણ પ્રશાસન પ્રદેશને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો હાથ ધરી રહ્યું છે, ત્યારે દમણની વચ્ચોવચ્ચ ફેલાયેલી આ ગંદકીની ભરમાર દૂર કરવા પ્રશાસન મોબાઈલ ટોયલેટને બદલે અથવા તો તેનું સમારકામ હાથ ધરીને અહીંની ગંદકી દૂર કરે તેવી માગ સ્થાનિક લોકોમાં ઉઠી છે.