- દમણગંગા નદી નજીક ખાડીમાંથી મળ્યો M-crox બોટલનો જથ્થો
- બોટલો એસ. એન. ફાર્માની લેબલ વાળી છે
- એજન્સી સંચાલક અને ડ્રગ વિભાગની એકબીજા પર ખો
વાપી : વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં દમણગંગા નદીની ખનકીમાં S. N. ફાર્માના લેબલ ધરાવતી M-crox નામની સિરપની બોટલોનો મોટો જથ્થો મળી આવતા આ અંગે ડુંગરા પોલીસે તપાસ હાથ ધરી છે. દમણગંગા નદીની ખનકીમાં ફેંકેલી બોટલો અંગે મળતી વિગતો મુજબ આ M-crox નામની સીરપ છે. જેના પર આ જ વિસ્તારમાં એજન્સી ધરાવતી શીતલ નામની મહિલાની S. N. ફાર્માના લેબલ મારેલા છે. જોકે, તેના પર એજન્સીનું એડ્રેસ જૂનું છે. જ્યારે એસ. એન. ફાર્માની સંચાલક શીતલ સાથે આ અંગે ટેલિફોનિક વાત કરતા તેમણે આ જથ્થો ફેંક્યો નથી તેવું જણાવી તેમના દ્વારા કોઈને અપાયા બાદ તેમણે તે ફેંક્યો હોવાની વાત કરી છટકવાની કોશિશ કરી છે.
જાહેરમાં કોઈપણ પ્રકારની દવા ફેંકી નથી શકાતી
આ અંગે ડ્રગ વિભાગના અધિકારી પ્રકાશ પુરસનાની સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ અંગે તપાસ કરી જણાવ્યું હતું કે, આ રીતે કોઈ જાહેરમાં દવાનો જથ્થો ખાલી કરી શકતું નથી. હાલમાં મળી આવેલ દવાની બોટલો પર જે એજન્સીનું નામ છે તે એજન્સીનું 2 વર્ષથી લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એટલે આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોણે ખાલી કર્યો તે અંગે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, ઘણીવાર મેડિકલ સ્ટોરવાળા કે એજન્સીવાળા એક્સપાયરી ડેટના ત્રણેક મહિના પહેલા દવાનો જથ્થો ડિસ્ટ્રોય કરતા હોય છે. પરંતુ તે જાહેરમાં નથી કરી શકતા. હાલમાં આ જથ્થો એકત્ર કરી નિયમ મુજબ ડિસ્ટ્રોય કરવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
મતલબ કે, એક સસ્પેન્ડ એજન્સીની સંચાલક મહિલાએ મેડિકલ સ્ટોર ખોલી નાખ્યો છે. તેમ છતાં તે અંગે ડ્રગ વિભાગ અંધારામાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવાને બદલે તેને છાવરતા હોવાનું ફલિત થયું છે. તો, ડ્રગ વિભાગે સિરપની બોટલો એકત્ર કરવા અન્ય એજન્સીને આદેશ આપ્યા બાદ સાંજ સુધી દવાનો જથ્થો લેવા કોઈ આવ્યું નહોતું. આખરે ડુંગરા પોલીસે તમામ બોટલને એકત્ર કરી કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.