- યૂવતીને મોબાઈલ એપમાંથી લોન લેવી ભારે પડી
- 12 એપમાંથી લીધી હતી રૂપિયા 1.14 લાખની લોન
- યુવતીએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી
વલસાડઃ જિલ્લામાં વાપીના ડુંગરાના હરિયાપાર્ક સ્થિત નક્ષત્ર પેલેસમાં રહેતી ખુશ્બુ વર્મા નામની યુવતી ચારરસ્તા સ્થિત સાંઇ કંસ્ટ્રક્શનમાં એકાઉન્ટંટ તરીકે નોકરી કરે છે. ઓગષ્ટ 2020માં તેણે એક એપથી રૂપિયા 1700 માટે અપ્લાઇ કરતા ખાતામાં રૂપિયા 1500 આવી ગયા હતા.
એક એપના પૈસા ચૂકવવા અન્ય એપમાંથી લોન લીધી
જે લોન 7 દિવસમાં ભરવાનું હોય પરંતુ પૈસા ન હોવાથી અન્ય મોબાઈલ એપમાંથી રૂપિયા 2200ની લોન તે એપમાં ભરી દીધા હતા. જ્યારે બીજી એપમાં પણ રકમ ભરવા 7 જ દિવસનો સમય હોવાથી સપ્ટેમ્બરમાં અન્ય અલગ-અલગ 10 એપમાંથી કુલ રૂપિયા 76,000ની લોન લઇ એક એપમાંથી ઉપાડેલા નાણા અન્ય એપમાં જમા કરતી હતી.
યુવતીને અપશબ્દો બોલી બદનામ કરવાની અપાઈ ધમકી
ત્યારબાદ એક એપમાંથી રૂપિયા 58,540 અને બીજી એપમાંથી લોનની રકમ રૂપિયા 23,000 ઓફર થતા ખાતામાં રૂપિયા જમા થયા હતા. જે મળી કુલ રૂપિયા 1,14,000ની લોનના રૂપિયા ઓનલાઇન ભરી દીધા બાદ 12 ડિસેમ્બરથી અલગ-અલગ 22 મોબાઇલ નંબરથી કોલ અને મેસેજ દ્વારા લોનના રૂપિયા ભરી દેવા ધાકધમકી આપી હેરાન કરાય છે અને બિભત્સ શબ્દો બોલી લોન નહી ભરે તો બદનામ કરી નાખીશું તેવી ધમકી આપવામાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
યુવતીના મોબાઇલનું કોન્ટેક્ટ લીસ્ટ હેક કરી એક વોટ્સએપ ગ્રુપ બનાવી ગ્રુપમાં તમામને યુવતીનો ફોટો, આધારકાર્ડ વગેરે ડિટેઇલ મોકલી ફ્રોડ ચોર 420 લખી હેરાન પરેશાન કરી બદનામ કરતા યુવતીએ ડુંગરા પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે આઇપીસી કલમ 500, 501, 504, 506, 507 અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.