- સેલવાસમાં 9 શિક્ષકોનો કોરોનાએ લીધો ભોગ
- શિક્ષકોના પરિવારને આર્થિક સહાય મળે તેવી માંગ
- સેનેટાઈઝરની માત્ર 1 બોટલ આપી ફરજ સોંપાઈ
સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં જોતરી દીધા છે. જોકે, મહામારી સામે રક્ષણ મેળવવા પૂરતી કોઈ સગવડ શિક્ષકોને અપાઈ નથી. જેને કારણે, છેલ્લા 1 મહિનામાં 9 શિક્ષકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. આ ઉપરાંત, 15થી વધુ સારવાર હેઠળ છે. ત્યારે, શિક્ષકોના પરિવારને આર્થિક સહાય અને વીમા કવચ મળે તેવી માંગ શિક્ષક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડ, સેલવાસ અને દમણમાંથી વધુ 303 પોઝિટિવ કેસ નોંધાયા, 123ને રજા અપાઈ
શિક્ષકો દ્વારા કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 900 જેટલા શિક્ષકો કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવે છે. જેઓને પ્રશાસને હાલમાં કોરોના મહામારીમાં ઘરે ઘરે સર્વે, કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઇન કરાવવા, તેમના આરોગ્યની રોજેરોજ ચકાસણી કરવી, હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓના પરિવારને તેમજ કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકોને જરૂરી રાશન સામગ્રી પહોંચાડવી જેવી કામગીરી સોંપવામાં આવી છે. શિક્ષકો પણ આ જવાબદારી નિભાવી રહ્યા છે.
PPE કીટ સહિતની જરૂરી સુવિધાની માંગ
પ્રશાસન તરફથી કોરોના સામે રક્ષણ મેળવવા માત્ર એક સેનેટાઈઝરની બોટલ આપી છે. મહામારી સામે આ અપૂરતી સુવિધાને કારણે 9 જેટલા શિક્ષકોને કોરોના ભરખી ગયો છે. 15થી વધુ શિક્ષકો કોરોનાની સારવાર હેઠળ છે. ત્યારે, મૃત્યુ પામનાર શિક્ષકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જે અંગે, શિક્ષકોના પરિવારને આર્થિક સહાય, ફરજ બજાવતા કર્મચારીઓને વીમા કવચ મળે અને કોરોના સામે રક્ષણ આપતી PPE કીટ સહિત જરૂરી સુવિધાઓ મળે તેવી માંગ દાદરા નગર હવેલી પ્રાઇમરી અપર-પ્રાઇમરી કોન્ટ્રાકચ્યુઅલ ટીચર્સ વેલ્ફેર એસોસિએશને (DNHPUPCTWA) કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં કરી છે.
શિક્ષકોના પરિવારને આર્થિક સહાય મળે
DNHPUPCTW એસોસિએશન દ્વારા આ અંગે પોતાનો આક્રોશ ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 3જી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે જે આરોગ્ય કર્મચારી 100 દિવસ કોરોના મહામારીમાં ફરજ બજાવશે તેને રેગ્યુલર કરવામાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારે, દાદરા નગર હવેલીમાં 1વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરતા શિક્ષકો પોતાના જીવના જોખમે કોરોના મહામારીમાં સામે ફરજ બજાવે છે. તેમને પણ આ લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો: સેલવાસના યુવકે ગુગલ પેથી રિચાર્જ કરવાની લ્હાયમાં ગુમાવ્યાં રૂપિયા 61 હજાર
15 વર્ષથી કોન્ટ્રાકટ બેઝ પર ફરજ બજાવતા શિક્ષકો
શિક્ષકોનું કહેવું છે કે, કોરોના મહામારી દરમિયાન પ્રશાસને જે કામગીરી સોંપી તે કામગીરી શિક્ષકો નિષ્ઠાપૂર્વક બજાવે છે. પરંતુ, તેમના ગયા પછી પરિવાર નોંધારો બની જાય છે. એટલે આર્થિક સહાય ઉપરાંત વીમા સુરક્ષાનો લાભ મળવો જોઈએ. ફરજ દરમિયાન ઉપરી અધિકારીઓનું વધતું દબાણના કારણે અનેક શિક્ષકોને પર ડિપ્રેશનમાં નાખી રહ્યું છે. તે હળવું થાય, હાલમાં આ કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકોને દર 2 કે 6 મહિને કોન્ટ્રાક્ટ રીન્યુ કરવો પડે છે. તેમાંથી મુક્તિ આપી તમામ શિક્ષકોને કાયમી કરવામાં આવે.
કોરોનાની કામગીરી દરમિયાન એપ્રિલ મહિનામાં 9 શિક્ષકો મોતને ભેટ્યા
- કિશનભાઇ પટેલ, અથોલા શાળા
- વંદનાબેન ઘીમ્બર, વેલુગામ શાળા
- રમણભાઈ ભસરા, સેલ્ટી શાળા
- સાવજી ભોયા, નરોલી હાઈસ્કૂલ
- નરેન્દ્રભાઈ ગોંડ આપ્ટી શાળા
- સુમિત્રાબેન ડી. પટેલ, ચીખલી શાળા
- પન્નાબેન બાબુભઈ પટેલ, ખુટલી શાળા
- લક્ષીભાઈ જાધવ, માંદોની કેન્દ્ર શાળા
- ગુલાબભાઇ વાંગડ, માંદોની કેન્દ્ર શાળા
ત્યારે, દરેક આપત્તિ સમયે આગળ આવતા અને જીવની પરવા કર્યા વિના ફરજ બજાવતા આવા શિક્ષકોની માંગ વહેલી તકે ફળે તેવી આશા શિક્ષકો અને તેમના પરિવારોએ સેવી છે.