વલસાડ, દમણ અને સેલવાસમાં વધુ 70 કોરોનાના કેસ નોંધાયા
- વલસાડમાં નવા 14 કેસ, 11 સ્વસ્થ થયા જ્યારે 2ના મૃત્યુ
- દાદરા નગર હવેલીમાં 28 નવા કેસ, 18 દર્દીઓ સ્વસ્થ થયા
- દમણમાં 18 નવા કેસ, 20 દર્દીઓ થયા સ્વસ્થ
વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં ગુરુવારે 70 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે ત્રણેય વિસ્તારના મળીને 49 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે પુરુષ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.
જિલ્લામાં ગુરુવારે 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. જો કે, બે દર્દીઓના મોત નિપજયાં હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 841 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી હાલ 152 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 600 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ઉપરાંત જિલ્લમાં અત્યાર સુધીમાં કુલ 91 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. ગુરુવારે પણ વધુ બે દર્દીઓના મોત થયા હતા, જે બંને પુરુષ દર્દીઓ વાપીની જનસેવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં ગુરુવારે કોરોના વિસ્ફોટ થયો હતો, જ્યા કોરોનાના નવા 28 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 18 દર્દીઓ સ્વસ્થ થયા હતા. દાદરા નગર હવેલીમાં કુલ 773 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 221 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 552 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે સાથે પ્રદેશમાં ગુરૂવારના રોજ વધુ 24 કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 234 કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
દમણમાં પણ ગુરુવારે 18 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 20 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી. દમણમાં કુલ 823 દર્દીઓમાંથી 185 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 638 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. દમણમાં પણ કુલ કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 101 પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. બાકીના દર્દીઓ સાજા થયા છે.