વલસાડ: જિલ્લાના વાપી નજીક આવેલા વટાર ગામે 2 યુવકોનું કૂવામાં પડી જવાથી મોત થયું છે. આ ચકચારી ઘટનામાં સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ વટારના ડુંગરી ફળિયા ખાતે રહેતા વિનોદ પટેલના ઘર પાછળ આવેલા પાણી વિનાના ખુલ્લા કુવામાં ગુરૂવારે રાત્રે પોલીસથી બચવા ભાગેલા 2 યુવકો પડ્યા હતા. જેથી બન્નેનું ઘટના સ્થળે મોત થયું છે.
વાપીના વટાર ગામે 50 ફૂટ ઉંડા કુવામાંથી 2 યુવકોનો મૃતદેહ ક્રેઇનની મદદથી બહાર કાઢી પરિવારને સોંપવામાં આવ્યા છે. બન્ને યુવકો દમણથી કારમાં દારૂ ભરીને નીકળ્યા હતા અને પોલીસને પીછો કરતા જોઇ કાર છોડીને ભાગતી વખતે કુવામાં પડ્યા હોવાની માહિતી મળી રહી છે. જો કે, ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ ગુરુવારે રાત્રે વટાર ગામે આવેલા બ્રહ્મદેવ મંદિરની બાજુમાં ડુંગરી ફળિયામાં રહેતા વિનોદ પટેલના ઘર પાછળ પાણી વગરના ખાલી પડેલ 50 ફૂટ ઉંડા કુવામાં 9.30થી 10 વચ્ચે બે યુવકો પટકાયા હતા. જેની જાણ ટાઉન પોલીસને કરતા તેઓ 2 ફાયરની ગાડી, 108 અને ક્રેઇન લઇને સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી રાત્રે 11 વાગે બન્ને યુવકોના મૃતહેદને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ વટાર હળપતિ વાસ બ્રાહ્મણ ફળિયામાં રહેતા પરેશ હળપતિ અને અકીલ ઉર્ફે અશરફ નુર મહંમદ પવાસ્કર તરીકે થઇ છે. જેથી ટાઉન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જો કે, આ બન્ને યુવકોના મોત અંગે ગામ લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મૃતક પરેશ અને અકીલ ગુરુવારે રાત્રે ભીમપોરમાં આવેલા દારૂના ગોડાઉનથી RITZ કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં પ્રવેશતા જ કથિત આર.આર.સેલના કર્મીઓએ સ્કોર્પિયો કારથી તેમનો પીછો કરતા તેઓ કાર લઇને વટાર ડુંગરી ફળિયા વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જ્યાં કાર બંધ થઇ જતાં બન્ને ગાડી છોડીને એક ખેતર તરફ દોડ્યા હતા. આ બન્નેને આગળ કુવો નહીં દેખાતા બન્ને મોઢાના ભાગે 50 ફૂટ નીચે પડ્યા હતા. ગંભીર ઇજાના પગલે બન્નેએ સ્થળ ઉપર જીવ ગુમાવ્યો હતો.
બનાવ બાદ દારૂ ભરેલી કાર ક્યાં ગઇ તે અંગે હાલ જાણી શકાયું નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રે ખૂબ ગતિમાં 2 કાર ફળિયામાં પ્રવેશી હતી.