- સૌરાષ્ટ્રમાં થઈ મગફળીની સારી ખેતી અને મબલખ આવક
- તામિલનાડુના વેપારી સૌરાષ્ટ્રમાં મગળફીની ખરીદી કરવા આવ્યા
- ભાવનગરમાં તામિલનાડુના વેપારી મગફળીની ખરીદી કરતા જોવા મળ્યા
ભાવનગર: સૌરાષ્ટ્રમાં થયેલી મગફળીની સારી ખેતીના પગલે દક્ષિણ ભારતના વેપારીઓ પણ સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી કરવા આવ્યા છે. જે પૈકી ભાવનગરમાં પણ તામિલનાડુના વેપારી મગફળીની ખરીદી કરતા જોવા મળ્યા હતા. જાણો તામિલનાડુના વેપારીનો અભિપ્રાય કે તેઓ સૌરાષ્ટ્રમાં મગફળીની ખરીદી કરવા કેમ આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં મગફળીના મબલખ પાકને કારણે અન્ય રાજ્યના ખેડૂતો પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. ભાવનગરમાં તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે અને મગફળીની ગુણવત્તાના વખાણ પણ કરી રહ્યા છે.
રોજની 4થી 5 હજાર ગુણી મગફળીની આવક
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. રોજની 4થી 5 હજાર ગુણીની આવક થઈ રહી છે. મગફળીની સારી ગુણવત્તાને કારણે તામિલનાડુના વેપારીઓ પણ ભાવનગર ખરીદી કરવા આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ, રાજકોટ, જામખંભાળિયા જેવા સેન્ટરો પર કુલ મળીને 200 જેટલા તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા આવ્યા છે. ત્યારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળીના 800થી લઈને 1 હજાર સુધીના પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે.
ભાવનગરની મગફળી સારી છે: તામિલનાડુના ખેડૂત
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની મગફળીની ખરીદી કરવા આવનારા તામિલનાડુના ખેડુતો આ અંગેનું કારણ જણાવતા કહે છે કે, હવે દક્ષિણ ભારતમાં પણ મગફળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે બિયારણ તરીકે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. વાવેતર માટે ખરીદી હોવાના કારણે વેપારીઓ 7 નંબર અને 9 નંબરની મગફળીની ખરીદી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વર્ષે ભાવનગરની મગફળી ખૂબ સારી છે.