- સિચાઈનું પાણી આગામી જાન્યુઆરી માસમાં છોડવા તંત્રની તૈયારી
- પાલીતાણામાં સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
- સમિતિ સમક્ષ ખેડૂતોના પડતર પ્રશ્નો અને પાણી અંગે ચર્ચા થઈ
ભાવનગરઃ ભાવનગરના શેત્રુંજી ડેમમાંથી 12,550 હેક્ટરમાં સિંચાઈનું પાણી આપવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગના આયોજનમાં કેનાલોની સાફસફાઈ તેમજ ગાબડાં રીપેર કરવાની બાહેધરી આપવામાં આવી છે. શેત્રુંજી ડેમના જમણા-ડાબા કાંઠાના ખેડૂતો દ્વારા સિચાઈનું પાણી છોડવા બાબતે થોડા દિવસો પહેલાં સલાહકાર સમિતિની પાલીતાણા બેઠક મળી તે બાદ સિચાઈ વિભાગ દ્વારા આગામી 5 જાન્યુઆરી પહેલાં જે સિચાઈ વિસ્તાર નક્કી થયેલો છે તે ખેડૂતોના 50 ટકા પાણી માગણીના ફોર્મ આવશે તો કેનાલ મારફત પાણી છોડવામાં આવનાર છે. જે માટેની તૈયારીઓ સિંચાઈ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
- કયા મુદ્દે વધુ ચર્ચા થઈ
સલાહકાર સમિતિની પાલીતાણા ખાતે મળેલ બેઠકમાં ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી ખેડૂતોને સિચાઈનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવે તેવી માગ સાથે ખેડૂતોએ જિલ્લા વહીવટીતંત્રને જાણ કરતાં તાજેતરમાં જ પાલીતાણા ખાતે એક સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ બેઠકમાં અધિક્ષક ઇજનેર પાણી વર્તુળ, જિલ્લા કલેકટર, કાર્યપાલક ઇજનેર, ધારાસભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક દરમિયાન તંત્ર દ્વારા ખેડૂતો સાથે છોડવામાં આવતાં પાણીનો વેડફાટ ન થાય તેમ જ સિંચાઇ માટે પુરતા પ્રમાણમાં મળે તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
- શું છે ખેડૂત એકતા મંચની માગણીઓ
પાલીતાણા ખાતે ખેતી માટે ખેડૂતોને પાણી કેનાલોમાં છોડવા બાબતે એકત્રિત થયેલ ખેડૂત એકતા મંચ અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવમાં આવી હતી. જેમાં ખાસ કરીને શેત્રુંજી ડેમનું પાણી ખેડૂતોને ક્યારે આપવું , કેટલા પાણ આપવા, બે કે ત્રણ હપ્તે પાણી આપવું કે સળંગ આપવું, કેનાલોની સફાઇ કરવી, જર્જરિત કેનાલો રિપેર કરવી, જમણા કાંઠે છેવાડે સથરા સુધી અને ડાબા કાંઠે છેવાડે અકવાડા-અવાણીયા સુધી પાણી આપવું, શેત્રુંજી ડેમનું સો ટકા પાણી ઝીરો લેવલ સુધી ખેડૂતોને સિંચાઇ માટે મળી રહે જેવા અનેક પ્રશ્નોની ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
- શું કહી રહ્યાં છે જળ સિંચાઈ અધિકારી
સિચાઈ વિભાગ દ્વારા ખેડૂતો સાથેની બેઠક દરમિયાન તેઓ દ્વારા સિચાઈ માટે કેનાલ મારફત પાણી છોડવાની માગ પ્રમાણે સિચાઈ વિભાગ દ્વારા પાણી છોડવા માટેની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં શેત્રુંજી ડેમના પાણીનો ઉપ્યોગ પીવામાં પણ થતો હોઇ તે જથ્થાને બાદ કરતાં 7000 એમ.સી.એફ.ટી જથ્થો બાકી રહે છે. જે પ્રમાણે સિચાઈ વિસ્તાર નક્કી કરવામાં આવેલ છે તે પ્રમાણે 12550 હેક્ટરમાં સિચાઈ માટેનું આયોજન સિચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. સિચાઈ વિભાગ દ્વારા આગામી 5 જાન્યુઆરી પહેલાં સિચાઈ વિસ્તારમાં આવતાં 50 ટકા ખેડૂતો દ્વારા ફોર્મ ભરી આપવામાં આવશે તો આગામી 5 જાન્યુઆરીએ પાણી છોડવાની તૈયારીઓ છે. ઉપરાંત, જે કેનાલોમાં ગાબડાં પડ્યાં છે ત્યાં સમારકામ અને કેનાલોની સફાઈ પાણી છોડતાં પહેલાં જ કરી દેવાની ખાતરી સિચાઈ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.