- ચેતન સાકરીયાને IPL માં પસંદગી
- 1.20 કરોડમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ખરીદ્યો
- IPL માં પસંદગી થતા પરિવારમાં ખુશીની લહેર
ભાવનગરઃ જિલ્લાના વરતેજ ગામના 22 વર્ષીય ચેતન સાકરીયાને IPL માં રાજસ્થાન રોયલ્સની ટીમે ખરીદ્યો છે. ત્યારે ચેતન સાકરીયા કોળી સમાજ નહિ પણ ભાવનગરની આન બાન અને શાન બની ગયો છે. માતાપિતાએ મજૂરી કરીને વિજ્ઞાન પ્રવાહમાં તેનો અભ્યાસ કરાવ્યો અને ચેતન અંતે પોતાની જીદ પ્રમાણે ક્રિકેટમાં શિખરે પોહચ્યો છે. પરિવારમાં દુઃખ એક જ છે કે નાનાભાઈએ ભરેલું જીવ ટૂંકાવવાનું પગલું ખુશીને ઓછી કરી જાય છે, પરંતું ચેતનની IPL માં પસંદગી થતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી.
તેની સિદ્ધિથી તેના માતાપિતા અને પરિવારમાં આનંદ
ભાવનગરના વરતેજ ગામમાં રહેતા કોળી પરિવારના કાનજીભાઈ સાકરીયાનો મોટો પુત્ર ચેતન સાકરીયાને IPL ઓક્સનમાં રાજસ્થાન રોયલ્સએ 1.20 કરોડમાં ખરીદ્યો છે. ચેતને દેસાઈનગરની વિદ્યાવિહાર શાળામાં અભ્યાસ કરેલો છે અને સાથે ક્રિકેટનો શોખીન હતો. ઘરમાં પિતા ટ્રક, ટેમ્પો અને માતા મજૂરી કામ કરીને બે પુત્ર અને એક પુત્રીનું જીવન ગુજારતા હતા. ચેતન ભણીને સારી સરકારી નોકરી કરે તેવી માતાપિતાની સલાહો રહેતી ક્યારેક માર પણ ખાવો પડતો હતો, પણ ચેતન જીદમાં રહ્યો અને તેને ક્રિકેટમાં આગળ ધપવાનું શરૂ રાખ્યું હતું, આજે તેની સિદ્ધિથી તેના માતાપિતા અને પરિવારમાં આનંદ જોવા મળી રહ્યો છે.
ચેતનનો ક્રિકેટમાં આગળ વધવામાં કોનો છે ફાળો
ચેતન 12 વર્ષની ઉંમરથી જ ક્રિકેટમાં રસ ધરાવતો હતો, સાથે ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી તેને સાયન્સમાં અભ્યાસ કર્યો અને સફળતા મેળવેલી છે. તેની માતાએ જણાવ્યું હતું કે, ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેને ક્રિકેટ છોડવું પડેલું, પરંતુ ચેતનના મામા તેના માટે દૂત બનીને આવ્યા અને તેને પાર્ટ ટાઈમ જોબ અને સાથે ક્રિકેટ શરૂ રખાવ્યું હતું અને ખર્ચો આપતા હતા. જેથી અંતે રણજી ટ્રોફી સુધી ચેતન પોહચ્યો અને આગળ વધ્યો હતો. ફાસ્ટ બોલર હોવાથી તેને સફળતા મળી. MRF ટ્રેઇનિંગમાં તેને ગ્લેન મેકગ્રા પાસેથી શીખવા મળ્યું હતું અને બોલિંગમાં 130 km સ્પિડમાં બોલ નાખવાની કળા શીખવા મળી હતી.
ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે ચેતન રોલ મોડલ
ચેતનને પ્રોફેશનલ ટ્રેનિંગ પરિવાર અપાવી શકે તેમ ન હતો એટલે તેને ભણીને નોકરી કરવા દબાણ કરાતું હતું. ચેતન ક્રિકેટમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાથી કોઈનું માનતો નહીં. રાજસ્થાન રોયલ્સમાં સિલેક્ટ થતા પહેલો ફોન બહેન જિજ્ઞાસાને ગયો અને ચેતનના શબ્દ હતા બહેન આપણે કરોડપતિ બની ગયા. બહેને કહ્યું, કરોડપતિથી આગળ તે વરતેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ચેતનનો મિત્ર મહેશ સોલંકીએ કહ્યું અમને કલ્પના નોહતી કે ચેતન IPL રમશે પણ જ્યારે તેને રણજી રમીને વિકેટો લીધી ત્યારે આશા જાગી હતી કે, ચેતન હવે આગળ વધશે. ભાવનગરની ભરુચા કલબ દ્વારા તેની ફી માફ કરવામાં આવેલી હતી. જેનું ઋણ ચેતન ભૂલી શકે તેમ નથી. ગરીબી રેખામાં અને માતાપિતાની મજદૂરી કરીને ચેતનને ભણાવવાની આશા હતી, પણ ચેતને ક્રિકેટમાં સાબિત કરી બતાવ્યું કે, તમારી ઈચ્છા અને મન કહે તે કરો તો જરૂર સફળતા મળશે. આથી ભાવનગરના ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે ચેતન જરૂર રોલ મોડલ બન્યો છે.