- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક શરૂ
- છેલ્લા પાંચ વર્ષમાં ગયા 2 વર્ષમાં વધુ આવક અને ભાવ પણ સારામાં સારા
- મગફળીના 1,550 ભાવ મળ્યા તો કપાસમાં 1,665 ભાવ 20 કિલોના
- ક્વિન્ટલમાં જોઈએ તો, કપાસ અને મગફળીમાં વર્ષ 2020માં સૌથી વધુ છેલ્લા 5 વર્ષમાં આવક
ભાવનગરઃ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. તેને જોતા યાર્ડમાં દિવસે મગફળી કે કપાસ લાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મબલખ આવકના કારણે ખેડૂતોને સારા ભાવ મળવાથી ખુશી જોવા મળી રહી છે. જોકે, પાકનું ઉત્પાદન મોડું હોવાથી ઓક્ટોબરના અંતમાં આવકની શરૂઆત થઈ છે. આથી આગામી નવેમ્બરના અંત સુધી આવક સારા રહેવાની શક્યતા અને ભાવ મળવાની આશા છે.
આ પણ વાંચો- લોકડાઉન બાદ આંશિક છુટછાટ મળતા રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ વિવિધ પાકની મબલખ આવક સાથે ફરી ધમધમતું થયું
ભાવનગર યાર્ડમાં મગફળી કપાસની આવક પણ થોડી મોડી અત્યારે શું ભાવ?
ભાવનગર યાર્ડમાં મગફળીની અને કપાસની રોજની આવક મબલખ થઈ રહી છે. મગફળીની 3,000 ગુણી તો કપાસના પણ હજારો પોટલાં આવી રહ્યા છે. મગફળીના ભાવ પણ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઉંચા જોવા મળ્યા છે. બહારના રાજ્ય વેપારીઓ ખરીદી કરવા આવતા રોજના 1500 ક્વિન્ટલ ખરીદી થઈ રહી છે. ખેડૂતોને મગફળીમાં ઊંચામાં ઉચો 1,550નો ભાવ, નીચામાં નીચો 600 રૂપિયાનો ભાવ અને મધ્યમ ભાવ 1075 રૂપિયાનો મળી રહ્યો છે તો કપાસમાં ઊંચો ભાવ 1,665, નીચો ભાવ 501 અને મધ્યમ ભાવ 1,083 અત્યારે મળી રહ્યો છે. જોકે, પાછોતરા વરસાદના પગલે ઉત્પાદન મોડું છે અને હાલમાં શરૂઆત થઈ હોવાથી નવેમ્બર મહિના દરમિયાન આવક શરૂ રહી શકે છે.
આ પણ વાંચો- કોરોનાને કારણે બંધ કરવામાં આવેલું ધોરાજી માર્કેટિંગ યાર્ડ ફરી થયું ધમધમતું
છેલ્લા 5 વર્ષમાં ઓક્ટોબરમાં મગફળી અને કપાસની સ્થિતિ
ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસના વાવેતરની સ્થિતિ જોઈએ તો, કપાસનું વાવેતર 2.20 લાખ હેક્ટરમાં છે. જ્યારે મગફળીનું વાવેતર 1.19 લાખ હેકટરમાં વાવેતર છે ત્યારે ભાવનગર યાર્ડમાં છેલ્લા 2 દિવસમાં મગફળીની આવક શરૂ થઈ છે. તો કપાસની આવક પણ વધી છે. મગફળી અને કપાસના ભાવ નીચે પ્રમાણેના રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિએ નીચે પ્રમાણે છે. તેમ યાર્ડના સેક્રેટરી દોલુભા રોયલાએ જણાવ્યું હતું.
મગફળીના છેલ્લા 5 વર્ષના મગફળીના ભાવ
વર્ષ | આવક (ક્વિન્ટલમાં) | નીચા ભાવ | મધ્યમભાગ | ઊંચા ભાવ |
2017 | 13,606 | 620 | 785 | 950 |
2018 | 17,921 | 700 | 865 | 1,030 |
2019 | 10,024 | 700 | 1,011 | 1,322 |
2020 | 29,187 | 650 | 995 | 1,340 |
2020 | 8,162 | 600 | 1,075 | 1,550 |
(20 ઓક્ટોબર 2021 સુધીનું)
કપાસની છેલ્લા પાંચ વર્ષના કપાસના ભાવ
વર્ષ | આવક (ક્વિન્ટલમાં) | નીચા ભાવ | મધ્યમભાગ | ઊંચા ભાવ |
2017 | 9,360 | 700 | 860 | 1,020 |
2018 | 6,983 | 1,140 | 1,185 | 1,230 |
2019 | 6,383 | 751 | 946 | 1,140 |
2020 | 16,601 | 640 | 857 | 1,075 |
2020 | 10,834 | 501 | 1,083 | 1,665 |
(20 ઓક્ટોબર 2021 સુધીનું)
ઉપરોક્ત પ્રમાણે, છેલ્લા 5 વર્ષથી ભાવમાં જોઈએ તો, છેલ્લા 2 વર્ષથી ભાવ અને ઉત્પાદનમાં વધારો થયો છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે, પરંતુ બીજી તરફ મોંઘવારીના પગલે ભાવ વધારો થયો હોવાનું માનવામાં આવે છે.