- સોમવારે પુસ્તકોનો જથ્થો ઝડપાતા વિરોધ પક્ષ દ્વારા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઇ હતી
- પાલીતાણાની સરકારી શાળાના પુસ્તકોના વેચાણ અંગે શાળાના આચાર્ય કલ્પેશ દવેને સસ્પેન્ડ કરાયા
- સોમવારે પુસ્તકોનો જથ્થો ઝડપાતા વિરોધ પક્ષ દ્વારા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઇ હતી
ભાવનગર: પાલીતાણાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પુસ્તકો કોઈપણ જાતની પ્રક્રિયા વગર જ પસ્તીમાં વેચી નખાતા સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી છે. જે પુસ્તક પસ્તી ગણીને વેચી નાખવામા આવ્યા છે, તે ચારથી પાંચ વર્ષ જૂના કોર્સના હોવાનો દાવો કરાયો છે. જો કે, સરકારી પુસ્તકો કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર વેચી નખાતા સવાલો ઉઠ્યા છે. ત્યારે તાલુકા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે. જે પુસ્તકો વેચી નખાયા છે તેને પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.
પસ્તીમાં વેચાયેલા પુસ્તકોનો જથ્થો કેટલો?
કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર પુસ્તકો પસ્તીમાં વેચી તો નખાયા, પણ કેટલો જથ્થો વેચાયો છે તેને લઈ પણ વિરોધાભાસી આંકડાઓ સામે આવી રહ્યા છે. જે આચાર્યએ પુસ્તકો વેચ્યા છે તે એક હજાર કિલો હોવાનો દાવો કરી રહ્યા છે, તો જે ફેરિયાને પુસ્તકો વેચવા માટે આપવામા આવ્યા હતા તે ફેરિયો ત્રણથી ચાર હજાર કિલો વજનના પુસ્તક હોવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે, જે પુસ્તકો પસ્તીમાં વેચી નખાયા છે તે પુસ્તકનું ખરેખર વજન કેટલું હતું?
આ પણ વાંચો- Gyansetu books : વલસાડ જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં શરૂ કરાયું વિતરણ
આટલી મોટી માત્રામાં પુસ્તકોની પસ્તી કેમ થઈ?
સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવામા આવે છે તે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જ આવતા હોય છે. પાલીતાણા ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈને પૂછતાં જણાવ્યું હતું કે, આ જુના પુસ્તકો છે જે અભ્યાસક્રમ બદલાય ગયો તેના છે. ઘોરણ 1 અને 2માં અંગ્રેજીના પુસ્તકો બે વર્ષ પહેલાં બદલાઈ ચૂક્યા છે, વિજ્ઞાન અને ગણિતના પુસ્તકો નવા આવી ગયા છે, સામાજિક વિજ્ઞાન આ વર્ષે બદલાય ગયું છે, આ બધા પાઠ્યપુસ્તકો પાંચ વર્ષ જુના છે. આચાર્યએ કહ્યું કે, પહેલા અમને પુસ્તકોના વેચાણ માટે મૌખિક સૂચના આપવામા આવી હતી. જો કે, બાદમાં ઈન્કાર કરી દેવામા આવ્યો હતો.
વહીવટી પક્રિયા વગર પુસ્તકો વેચી ન શકાય: તાલુકા શિક્ષણાધિકારી
તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, પાલીતાણાની આજુબાજુના ગામના 24,000 બાળકોના પુસ્તકો એક શાળા પર આપવામાં આવે છે, એટલે અહિંથી જ વિતરણ કરવામાં આવે છે. એક જ જગ્યાએ પુસ્તકોનો સંગ્રહ થાય છે. તેને વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયા વગર પુસ્તકો આમ વેચી ન શકાય. મેં આચાર્યને જ્યાં પુસ્તકો વેચવામા આવ્યા છે ત્યાંથી પરત મેળવવા આદેશ કર્યો છે.
આચાર્ય પર ઉઠ્યા સવાલ
કાર્યવાહી બાદ શાળાના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુસ્તકનો જથ્થો ગઈકાલે જ પસ્તીવાળાને ત્યાંથી પરત લાવી સીલ મારવામાં આવ્યો હતો. સરકાર પાઠ્યપુસ્તક પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તેમ છતાં એટલી મોટી સંખ્યામાં પુસ્તકો કેવી રીતે મળી આવ્યા છે તે આવનારા દિવસોમાં તપાસ બાદ જ જાણવા મળશે. શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો મેળવવામાં આવે છે, તો પછી આ પાઠ્યપુસ્તક હજી સુધી કેમ પડી રહ્યા છે? શું વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવામાં આવ્યા હતા? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો- ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ
આચાર્યને કરાયા સસ્પેન્ડ
આ અંગે DPO ડો.મૈયાણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જે પુસ્તકો વગર મંજુરીએ પસ્તીમાં આપવામાં આવ્યા હતા તેને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈ પાલીતાણા પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ રીતે ઘટના આવી સામે
પાલીતાણાના સામાજિક કાર્યકર્તા સવારે શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રેકટરમાં સરકારી શાળાના પુસ્તકો જતા જોયા હતા. જેથી તેમણે ટ્રેકટર ચાલકને પૂછતા ટ્રેકટરવાળાએ ભંગારના ડેલે પુસ્તકો ઉતારવાના હોવાનું કહ્યું હતું. બંને કાર્યકર્તાઓએ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી હતી.