ભાવનગર: જિલ્લાના અખાતમાં પાંડવ કાલિન ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પ્રતિ વર્ષ શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે, ભાદરવી અમાસના રોજ ભવ્ય લોક ભાતીગળ મેળો ભરાય છે. જેમાં દેશ, વિદેશ અને પરપ્રાંતથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ શ્રદ્ધાળુ સમુદ્રમાં સ્નાન કરી પોતાના પાપ ધોઈ 5 પાંડવ દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરી પોતાની જાતને ધન્ય કરે છે, પરંતુ વર્તમાન સમયે કોરોના વાઇરસની મહામારીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ધાર્મિક સ્થળે ભીડ એકઠી ન થાય અને મહામારીનું સંક્રમણ વધુ ન પ્રસરે તે હેતુસર લોક મેળાઓ અને લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાનું કડક અમલીકરણ કરવા સજજડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે, આ અવસરે વર્ષોથી ભાવનગર રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવને પ્રથમ ધજા ચડાવવાની પ્રથા આજે પણ અકબંધ રહી હતી. જિલ્લા કલેક્ટરે માત્ર 7 વ્યક્તિઓને ધજા ચડાવવા જવાની મંજૂરી આપી હતી. જેને લઈને ભાવનગર રાજ પરિવારના 6 જેટલા સભ્યો પરંપરાગત રીતે બુધવારે વહેલી સવારે ધજા સાથે નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચ્યા હતા અને પરંપરાગત રીતે બ્રાહ્મણોની આજ્ઞા અનુસાર ધજા ચડાવી દર્શન-પૂજન વિધિ સંપન્ન કરી હતી.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8483884_a.jpg)
પ્રાચિન દંતકથા અનુસાર પાંડવોએ કુરૂક્ષેત્રના યુદ્ધ બાદ બાંધવ હત્યાના પાતકમાંથી મુક્ત થવા નિષ્કલંકના સમુદ્રમાં સ્નાન કર્યું હતું અને નિષ્કલંક થયા હતા. ત્યારથી આ પ્રથા અમલમાં છે. જેથી દર વર્ષે ભાદરવી અમાસના રોજ લાખો લોકો સમુદ્રના પવિત્ર જળમાં સ્નાન કરી પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ વર્ષે આ ઉત્સવ બંધ રહેવાથી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવી આગંતુક લોકો-શ્રધ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે.